શહેર આખુ ખોદાઇ ગયું, શહેરીજનોને પડતી મુશ્કેલી
ઉપલેટામાં નલ જે જલ અને ગટર યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારની બૂમ
મૃતકોને અંતિમ સ્થાને પહોંચાડવામાં પડતી તકલીફ: તંત્ર સામે ઉગ્ર રોષ્
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં હાલ વિકાસના કામોના નામે વિનાશ વેરાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ‘નલ સે જલ’ અને ભૂગર્ભ ગટરના કામોમાં કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગતથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક તરફ ખોદાયેલા રસ્તાઓ પ્રજા માટે ‘મોતના કૂવા’ સમાન બન્યા છે, તો બીજી તરફ પાલિકામાં ચૂંટાયેલી મહિલા સદસ્યોના પતિદેવો એટલે કે ‘સેનાપતિઓ’નો અડ્ડો જામ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે જોકે કોઈ સુધારવાનું નામ લેતું નથી અને કુદરતનો કોઈ ડર રાખતું પણ નથી પરિણામે પ્રજા પીસાઈ રહી છે અને અંતર આત્માથી બદદુઆના વરસાદ કરી રહી છે.
રસ્તાઓ બન્યા ‘મોતના કૂવા’ કારણ કે સુરક્ષા રામ ભરોસે છે અને શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તા તોડ્યા બાદ બુરાણ કે સમારકામ કરવામાં આવતું નથી. ખોદકામવાળી જગ્યાએ કોઈ પણ પ્રકારના બેરીકેટ, ડાયવર્ઝન કે રેડિયમ લગાવાતા નથી. સુરક્ષાના અભાવે રાત્રિના અંધકારમાં બાળકો અને વૃદ્ધો ખાડામાં ખાબકી રહ્યા છે અને ગંભીર ઈજાઓનો ભોગ બની રહ્યા છે. દર ૧૫ દિવસે પાણી અને ગટરની લાઈનો તૂટવી અને ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળવું હવે સામાન્ય બાબત બની ગઈ છે.
જ્યારે કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરવા જાય છે ત્યારે લોકશાહીના પ્રતિનિધિઓ પ્રજાની મજાક ઉડાવે છે. પાલિકાના સત્તાધીશો આ કામ ‘ગુજરાત શહેરી વિકાસ કંપનીનું હોવાનું કહી હાથ અધ્ધર કરીને ખો આપી દે છે. અહીંયા એક સમયે જે ઉમેદવારો નાગરિકો પાસે મતની ભીખ માંગતા હતા, આજે તેમની જ વેદના પર શાસકો તાલીઓ પાડીને હસી રહ્યા છે.
ઉપલેટા નગરપાલિકામાં ‘સેનાપતિઓ‘નો દબદબો
ઉપલેટા નગરપાલિકા જાણે ચૂંટાયેલા સદસ્યો નહીં પણ તેમના પતિદેવો ચલાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીંયા આમ તો મહિલા સદસ્યોના પતિઓ કચેરીમાં જાણે પોતાના બાપની જાગીર હોય તેમ અડ્ડો જમાવીને બેસે છે. રજૂઆત કરવા આવતા નાગરિકો કે પ્રામાણિક સદસ્યોને દબાવી દેવા, પાડી દેવા અને ખોટી પોલીસ ફરિયાદો અને ખોટા કેસો કરવાની અને જેલમાં ધકેલી દેવાની દબંગાઈ વાળી ધમકીઓ અપાય છે.
શહેરમાં કરોડોનો ધુમ્બો લાગ્યાની ચર્ચા
નાગરિકો એવું પણ ચર્ચા કરી રહ્યા છે કે સત્તા પર આવ્યા બાદ અમુક સભ્યોએ નવી નકોર લાખોની ગાડીઓ ખરીદી છે અને ખેતીની જમીનોમાં રોકાણ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો ઘણા વ્યક્તિઓએ બીજા રાજ્યની અંદર ધંધા સ્થાયી કર્યા છે પરંતુ ઉપલેટામાં બે બે વખત કરોડો રૂપિયાના ધુમ્બા પણ લાગેલા હોવાની ચર્ચા છે.


