- સને 1973નો મહિનો પણ ડિસેમ્બર જ હતો, કોલેજ પણ LD હતી !
- નવ નિર્માણ આંદોલને પહેલા ગુજરાત અને પછી દેશની સરકારો બદલી હતી
- વિરોધ સામે સરકારે પોલીસ મોકલીને હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને ખુબ માર્યા
અમદાવાદની લાલભાઈ દલપતભાઈ-LD ઈજનેરી કોલેજની હોસ્ટેલની મેસમાં થાળીમાં મંગળવારે થયેલા ભાવ વધારાએ ગુજરાતીઓની એક આખી પેઢીને ફરી એકવાર 50 વર્ષ પહેલા સને 1973નો ડિસેમ્બર યાદ કરાવ્યો છે. આ એ જ કોલેજની હોસ્ટેલ છે કે જ્યા ફૂડબિલમાં થયેલા ભાવ વધારા સામે શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલને ગુજરાતનો રાજકીય ઈતિહાસ બદલ્યો છે. અમદાવાદમાંથી શરૂ થયેલા નવ નિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઈને માર્ચ-1974માં બિહારમાંથી જયપ્રકાશ નારાયણ-જેપીએ શરૂ કરેલી મુવમેન્ટને કારણે વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની હાર થઈ હતી. કોંગ્રેસની સરકારોના વળતા પાણી થયા હતા.
નવનિર્માણ આંદોલનના મશાલચીઓ પૈકીઓના એક મનીષી જાની ‘સંદેશ’ સાથેની વાતચીતમાં કહ્યુ કે, ”સંયોગથી વધુ કંઈ નથી કે એ આંદોલનની 50માં વર્ષે એ જ કોલેજના ફૂડબિલમાં વધારો થઈ રહ્યો છે. નવા કાયદાના અમલથી યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડીકેટ રહ્યા નથી. હવે કાઉન્સિલ અને બોર્ડ આવી ગયું છે. પણ મને યાદ છે 1974ની 20મી ડિસેમ્બરે LD ઈજનેરી કોલેજે મહિનાનું ફૂડબિલ રૂ.70થી વધારી રૂ.100 કર્યું ત્યારે 20 ટકા વિદ્યાર્થીઓને ઉધારના પૈસા લેવા પડયા હતા. અનેકને તો એક ટંકનું જમવાનું છોડવું પડયું હતું. આ સ્થિતિ જોઈને અર્થશાસ્ત્રના પ્રોફેસર જિતેન્દ્ર ધોળકીયાએ ફૂડબિલ વધતા વિદ્યાર્થીઓના અભ્યાસ, તેમના અને પરિવારના જીવન નિર્વાહન સંદર્ભે તૈયાર કરેલા શોધ- સંસોધન અહેવાલ અને વિદ્યાર્થીઓને રજૂઆતોને આધારે સેનેટ સભ્ય તરીકે તેનો વિરોધ કર્યો હતો. એ વિરોધ સામે સરકારે પોલીસ મોકલીને હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને ખુબ માર્યા. જાન્યુઆરી- 1974માં પહેલા વિદ્યાર્થી લાગણી સમિતિ અને પછી મોંધવારી સામે નવ નિર્માણ સમિતિ થઈ. આ બિનરાજકીય સમિતિઓના આંદોલને ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર બદલી. એ સમય અલગ હતો. જ્યારે એક પૈસાના વધારા સામે પણ નાગરીકો સ્વયં વિરોધ કરતા. આજે સમય અલગ છે.


