૬૦૦થી વધુ ધંધાર્થીઓને લેન્ડ ગ્રેબીંગની ધમકી આપી બજાર બંધ કરવા મનપાએ નોટિસ આપતા વેપારીઓમાં ઉહાપોહ
કોંગ્રેસ વેપારીઓની વહારે આવી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાની આગેવાની હેઠળ રેલી કાઢી
રાજકોટમાં આજી ડેમ પાસે ભરાતી ગુજરી બજારના ધંધાર્થીઓને લેન્ડ ગ્રેબીંગની નોટિસ ફટકારી જગ્યા ખાલી કરવાની સુચના અપાતા જ ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વર્ષોથી અહીં ઉભા રહીને રોજી રોટી કમાતા નાના ધંધાર્થીઓ સામે આ પ્રકારના કાયદાકીય પગલાં લેવાની તજવીજ થતા જ વેપારીઓ આજે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ ત્રિકોણબાગ ચોકે એકઠાં થઇ રેલી સ્વરૂપે મનપા કચેરીએ જઇને આવેદન આપ્યુ હતુ.
અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાતી ગુજરી બજાર હવે એક જ સ્થળે આજી ડેમ પાસે ભરાય છે. અહીં સેંકડોની સંખ્યામાં પાથરણા અને લારીવાળા નાના ધંધાર્થીઓ રોજગાર મેળવે છે. શહેરના સામાન્ય, મધ્યમ વર્ગના જ નહીં પણ પૈસે ટકે સુખી સંપન્ન લોકો પણ ગુજરી બજારમાં ખરીદી કરવા આવે છે. ગરીબ ધંધાર્થીઓ વર્ષોથી અહીં ઉભા રહીને બે ટંકનો રોટલો કમાય છે.
કોઇપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ સેંકડો નાના ધંધાર્થીઓના પેટ પર પાટુ મારવાની તંત્રની આ દાનત સામે આક્રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ વેપારીઓની વહારે આવી છે. રાજકોટના લોકપ્રશ્નોને લઇને એક મજબૂત વિપક્ષ તરીકે છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને સરકારને પૂરેપૂરી રીતે ભીંસમાં લાવવા મેદાનમાં ઉતરી છે. ટીઆરપી કાંડ એ કરન્ટ દાખલો છે જ. પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે લગલગાટ આંદોલાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે. આમજનતામાં કોંગ્રેસ ફરી એકવખત બેઠી થઇ રહી છે અને સતત પ્રજા વચ્ચે રહેવાનો, પ્રજાનાના નાનામાં નાના પ્રશ્નોને ઉપાડી લેવા રણનીતિના ભાગરૂપે આજે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ ત્રિકોણબાગ ચોક ખાતે ગુજરી બજારના વેપારીઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. ત્યાથી બેનર અને સુત્રોચ્ચાર સાથે મનપા કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યુ હતુ.
સંસદે મંજૂર કરેલો સ્ટ્રીટ વેન્ડર એક્ટ રાજકોટમાં લાગુ કરવા માગણી
ગુજરી જેવી બજારો સ્થાનિક ઇકોનોમી માટે કેટલી મહત્વની હોય છે તેની વિસ્તૃત છણાવટ સંસદમાં પણ થઇ ચુકી છે. સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ખરડો પણ સંસદમાં પસાર થઇ ચુક્યો છે. નાના વેપારીઓથી માંડી ગ્રાહક વર્ગ સુધી મોટા પ્રમાણમાં ઇકોનોમી ફરતી રહે છે. હજારો લોકોના ઘરનો ચુલો ગુજરી બજાર થકી સળગે છે. સ્ટ્રીટ વેન્ડર એક્ટ રાજકોટમાં લાગુ કરવામા આવે તેવી માગણી સાથે મ્યુનિ.કમિશનરને આવેદન આપવામા આવ્યુ હતુ.
ગુજરી બજારના વેપારીઓની આ ત્રણ મુખ્ય માગણી
- સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર એકટ લાગુ કરવો. તેના માટે સ્ટેન્ડીંગ કમિટીમાં સતાવાર ઠરાવ કરવો.
- રવિવારી બજાર આજી ડેમ પાસેથી હટાવવામા ન આવે. આ માટે મહાનગરપાલિકા પોલીસ તેમજ સરકારના અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરે.
- રવિવારી બજાર આજી ડેમ પાસેથી હટાવવી જ પડે તેમ હોય તો કોઇ વૈકલ્પિક જગ્યા ફાળવવામા આવે.
કૌભાંડોથી ખડકાયેલા બાંધકામ દેખાતા નથી? વેપારીઓનો આક્રોષ
ગુજરી બજારના ગરીબ ધંધાર્થીઓએ કકળતી આંતરડીએ એવો રોષ ઠાલવ્યો હતો કે, મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટની ઓથે શહેરમાં અનેક કૌભાંડિયા બાંધકામો ખડકાઇ ગયા છે, દબાણો થઇ ગયા છે. બુ.યુ. વગરની અનેક ઇમારતો હજુ ઉભી છે. તેની સામે કેમ કોઇ પગલાં લેવાતા નથી? અને માત્રને માત્ર ગરીબ ધંધાર્થીઓ જ દેખાય છે? આજી ડેમ પાસે ભરાતી ગુજરી બજાર ટ્રાફિકને પણ નડતરરૂપ નથી થતી. મેદાનની અંદર ભરાય છે. આમછતાં ગરીબોની રોજી રોટી છીનવી તેના પેટ ઉપર પાટુ મારવાની દાનત તંત્ર દાખવી રહ્યુ છે તે અન્યાયી છે.