- ચૂંટણી ફરજના કર્મીઓને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવાઈ
- પ્રિસાઈડિંગ ઓફિસરને ધ્રાંગધ્રામાં પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર લઈ જવાયા
- જયાં કલેકટર અને જિલ્લા વિકાસ અધીકારીએ તેમની ખબર અંતર પુછી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી સમયે ફરજ બજાવનાર કર્મીઓને શારીરીક તકલીફ થાય તો કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવાઈ છે. ત્યારે મુળીની ગોદાવરી શાળાના શિક્ષક અને ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં પ્રીસાઈડીંગ ઓફીસરને ફરજ દરમીયાન હૃદયમાં તકલીફ થતા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જયાં કલેકટર અને જિલ્લા વિકાસ અધીકારીએ તેમની ખબર અંતર પુછી હતી.
લોકસભા ચૂંટણી સમયે સમગ્ર રાજયમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓને તાત્કાલીક સારવારની જરૂર પડે તો કેશલેસ સારવાર મળી રહે તે માટે આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી વિભાગે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પીટલ સાથે એમઓયુ કર્યા હતા. ત્યારે મતદાનના દિવસે જ એક કર્મચારીને દવાખાને લઈ જવા પડયા હતા. બનાવની મળતી માહીતી મુજબ મુળી તાલુકાના ગોદાવરી પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઈ પટેલને ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં પ્રીસાઈડીંગ ઓફીસર તરીકે ફરજ સોંપાઈ હતી. મંગળવારે ફરજ દરમીયાન તેઓને હૃદયમાં તકલીફ થતા પ્રાથમીક સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાંથી તેઓને સુરેન્દ્રનગરની સીમ્સ હોસ્પીટલ રીફર કરાયા હતા.
આ અંગે જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધીકારી કે.સી.સંપતને જાણ થતા તેઓએ જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ સાથે સીમ્સ હોસ્પીટલ દોડી જઈને વાસુદેવભાઈની ખબર અંતર પુછી હતી. તથા હોસ્પીટલના ડોકટર મેણીયા સાથે તેમના સ્વાસ્થ્ય બાબતે જરૂરી ચર્ચા કરી હતી.


