- ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બરથી આરંભ કરશે ટૂર
- સાઉથ આફ્રિકાની ટીમ સામે રમાશે વનડે, ટી20 અને ટેસ્ટ સિરીઝ
- મોહમ્મદ શમીને વનડે, ટી20માંથી અપાયો છે આરામ
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ટૂરમાં રમવા માટે 5મી ડિસેમ્બરે મોડી રાત્રે દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થઈ હતી. ટીમ ઈન્ડિયાને આ પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે, જેમાં ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ટીમનો એક ભાગ છે, પરંતુ તે હાલમાં પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેના કારણે તે રમી શકશે અથવા નહીં રમે આ બાબતને લઈને સસ્પેન્સ હજુ પણ બરકરાર છે.
મહત્વનું છે કે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થઈ ગઈ છે. જો કે, ટીમ ઈન્ડિયાના એક એવા ખેલાડી જેનું આ પ્રવાસ પર યોજાનારી ટેસ્ટ સિરીઝમાં રમવા પર સસ્પેન્સ છે તે ઝડપી બોલર મોહમ્મદ શમી છે, જેણે ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લીધી છે. જ્યારે તેને 2 મેચની ટેસ્ટ સિરીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ માહિતી શેર કરી હતી કે તેના રમવા અંગેનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. વિશ્વ કપમાં પણ શમી આ સમસ્યાથી પીડાતો હતો અને આ કારણોસર તેને હાલમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપમાં પણ શમી પીડા સાથે પણ રમ્યો હતો
ODI વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ પણ લીધી. જો કે, હવે ક્રિકબઝના અહેવાલ મુજબ, એવી જાણકારી સામે આવી છે કે વિશ્વ કપમાં પણ શમીને પગની ઘૂંટીમાં દુખાવો ઉપડ્યો હતો પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. આ કારણોસર શમીને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ અને હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર યોજાનારી ટી20 અને વનડે બંને સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર શમીને પગમાં એંકલની કેટલીક સમસ્યા હતી જે વર્લ્ડકપ દરમિયાન સામે આવી હતી, પરંતુ તેમ છતાં તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું. રનઅપ પૂરો કરતી વખતે શમીને બોલિંગ કરતી વખતે ઘણી જ તકલીફ પડી રહી છે.
ભારતીય ટીમ 10 ડિસેમ્બરથી રમશે
ટીમ ઈન્ડિયા આ પ્રવાસની શરૂઆત ત્રણ મેચની ટી-20 શ્રેણીથી કરશે, જેમાં તેણે ડરબનમાં યજમાન ટીમ સામે પ્રથમ મેચ રમવાની છે. ટી-20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ભારતને મેગા ઈવેન્ટ પહેલા માત્ર એક વધુ ટી-20 શ્રેણી રમવાની તક મળશે, જે અફઘાનિસ્તાન સામે હશે.


