સામાન્ય સભામાં ૯૪ વર્ષની વયના વી.એન.રાવલ અને હિરાભાઇ માણેકનું કર્યું સન્માન
સામાન્ય રીતે વેપાર ઉદ્યોગ કે સંગઠનોમાં સંસ્થા માટે જાત ઘસનારા લોકો પદ પરથી ઉતરી જાય પછી તેમને ખાસ યાદ કરવામાં આવતા નથી. કેટલાક કિસ્સાઓમાં સંસ્થાને અમુલ્ય સમય પ્રદાન કરનાર રાહબરોને ભુલી જવામાં આવે છે. રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળેલી સામાન્ય સભામાં પૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૪ વર્ષની જૈફ વયના વી.એન.રાવલ તથા હિરાભાઇ માણેક જેવા પાયાના પથ્થર સમાન રાહબરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સામાન્ય સભા અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કારોબારી બેઠક રાજકોટ ખાતે મળી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનોએ પોતાને પડી રહેલી તકલીફોની આપલે કરી અને સમાધાન માટે ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણય લીધા હતા.
આ પ્રસંગે ૧૯૪૫થી અત્યાર સુધીના તમામ માજી પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ૫૦ વર્ષ જુની ટ્રાન્સપોર્ટ પેઢીઓ, સંગઠન ને મજબૂત કરવા માટે સભ્યોએ દાખવેલી ઇમાનદારી, મહેનતને એક વિશેષ સન્માનથી બિરદાવવામાં આવી હતી. ૯૪ વયના વી.એન.રાવલે ૪૦ વર્ષ સંસ્થાની સેવામાં અર્પણ કર્યા તેની સુખદ પળોને વાગોળી હતી. હિરાભાઇ માણેકે પણ પોતાના કાર્યકાળ અને સંસ્થાની કાર્યપદ્ધતિથી યુવા પેઢીને પ્રોત્સાહિત કરી હતી.
સંસ્થાના માજી પ્રમુખે રાજ્ય સરકારના વિવિધ પદો પર સંભાળેલી પોતાની જવાબદારીઓ વિશે તમામને માહિતગાર કર્યા હતા. હાલ આરટીઓ, જીએસટી, ટોલ પ્લાઝા, વીમાને લઇ મુંજવતા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે એવેબીલને લઇને પડતી તકલીફોને નિવારવા માટે સોફટવેર કંપનીને બોલાવી દરેક ટ્રાન્સપોર્ટરને સરળતાથી સમજાય તેવા સેમિનાર યોજવાની ભલામણો કરવામાં આવી હતી.
આ બેઠક અને સામાન્ય સભા દરમિયાન સંસ્થા પોતાના દરેક સભ્યો પ્રત્યેની ચિંતા અને સુખાકારી હેતુ ૨0 વર્ષ પહેલા ૨ ટ્રાન્સપોર્ટનગરની સ્થાપના કરાઇ હતી. હાલ રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સંચાલિત ડિઝલ પમ્પ મારફતે દરેક સભ્યોને બજાર કિંમત કરતા રૂ. ૨ પ્રતિ લિટર સબસિડી આપી ડિઝલ વેચાણ કરી રહ્યા છે. તે બાબતને તમામ આવકારી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ-ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી વાસણ આહિરે અને કાર્યકારી પ્રમુખ મુકેશ દવે, જીતુ સંઘવી, કનુ અગ્રાવત, મહેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, હસમુખરાય ભગદેવ, પ્રભાત આહિર, માવજી ડોડિયા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, દશરથસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રાન્સપોર્ટ એસો.ના ૧૯૪૫થી સેવા આપતા પ્રમુખોની સ્મૃતિ તાજી કરી
ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવ તથા પરમરાજસિંહ રાણાએ રાજકોટ ટ્રાન્સપોર્ટ સંગઠનનો ભવ્ય ઇતિહાસ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે રાજકોટ ટ્રાન્સપોર્ટ સંગઠનની સ્થાપના સમયે તેનું નામ રાજકોટ ટ્રક ઓનર્સ એસો. હતું. બાદમાં રાજકોટ જિલ્લા ટ્રક એસો. નામ ધારણ કર્યું હતું. જે આજે ગુડઝ ટ્રાન્સપોર્ટ તરીકે કાર્યરત છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ સંગઠનની સ્થાપના સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાએ ૧૯૪૫ની સાલમાં કરી હતી. ૧૯૪૭ સુધી તેઓ ફાઉન્ડર પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા. બાદમાં સ્વ. કેશરિસિંહજી ડોડિયા 1947-1956 સ્વ. નકુમ કાકા 1956-1961, સ્વ. ઠાકોર સાહેબ જોરાવરસિંહજી રાઓલ 1961-1970, સ્વ. ઠાકોર સાહેબ વીરવિક્રમસિંહ મુધવજી જાડેજા 1971-1972, મુળવાજી જાડેજા, હિરાભાઇ માણેક 1972-1986, વિષ્ણુભાઇ એન રાવલ 1986-1993 અને સ્વ. ભરતસિંહ રાણા 2003-2015, માવજીભાઇ બી ડોડિયા 1993-2003 વગેરેએ પ્રમુખપદે સેવા આપી હતી. હાલમાં હસુભાઇ ભગદેવ 2015થી રાજકોટ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ તરીકે સેવા આપે છે.


