– ઓગસ્ટના અંત સુધીમાં, રિઝર્વ બેંકની ચોખ્ખી બાકી ફોરવર્ડ ખરીદી ૧૦.૦૭ બિલિયન ડોલર
Updated: Oct 22nd, 2023
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત ઓગસ્ટમાં ડોલરમાં નેટ સેલર બની છે. નવીનતમ ડેટા મુજબ રિઝર્વ બેન્કે ઓગસ્ટમાં વિદેશી ચલણમાં ૩.૯ બિલિયન ડોલરનું ચોખ્ખું વેચાણ કર્યું છે.
સેન્ટ્રલ બેંકે આ ઓગસ્ટમાં ૫ બિલિયન ડોલરની ખરીદી કરી છે, જ્યારે ૪૩.૬ બિલિયન ડોલર વિદેશી ચલણનું વેચાણ કર્યું છે. ઓગસ્ટ ૨૦૨૨માં કેન્દ્રીય બેંકે ૪.૩ બિલિયન ડોલરનું વેચાણ કર્યું છે. રિઝર્વ બેંકે તેના પાછલા નાણાકીય વર્ષમાં ૨૫.૫ બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું.
ઓગસ્ટમાં રૂપિયો ૦.૬ ટકા ઘટયો હતો. જુલાઈમાં, રિઝર્વ બેંકે સ્પોટ માર્કેટમાંથી ૩.૪ બિલિયન ડોલરની ચોખ્ખી રકમની ખરીદી કરી હતી. ઓગસ્ટના અંત સુધીમાં, રિઝર્વ બેંકની ચોખ્ખી બાકી ફોરવર્ડ ખરીદી ૧૦.૦૭ બિલિયન ડોલર હતી, જે જુલાઈમાં ૧૯.૪૭ બિલિયન ડોલર હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયામાં ૧.૩ ટકાનો ઘટાડો થયો છે. અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયો ૭.૮ ટકા ઘટયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂપિયામાં ૦.૬ ટકાનો ઘટાડો થયો છે. કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં સ્થાનિક ચલણમાં ૦.૧૬ ટકાનો ઘટાડો થયો છે.
૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં ભારતનું વિદેશી વિનિમય અનામત ૫૬૨.૮ બિલિયન ડોલર હતું. આ અનામત ૨૦૨૩ ના પ્રથમ છ મહિનામાં લગભગ ૩૩ બિલિયન ડોલર વધી છે.