- બિસ્માર રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન
- શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને હાલાકી
- ફતેપુરાના કાળીયા વલુંડા ગામેથી કન્યા વિદ્યાલયનો બિસમાર રસ્તો
ફ્તેપુરા તાલુકાના કાળિયા વલુન્ડા ગામે હનુમાનજીની ટેકરીવાળા બાયપાસ નવીન રસ્તાને બનાવવામાં માટે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.
ફતેપુરા નગરને અડીને આવેલા કાળીયા વલુંડા ગામમાંથી પસાર થતો રસ્તો જે હનુમાન ટેકરી થઈને જાગૃતિ કન્યા વિદ્યાલય થઈને નવીન બસ સ્ટેશન સુધી જઈ રહ્યો છે. આજુબાજુના જમીનદારોએ રસ્તો બનાવવા માટે જમીન તો આપી દીધી છે. વાહનોની અવરજવર પણ થઈ રહી છે. પરંતુ આ રસ્તા ઉપર કામ ચલાવ રસ્તો બનાવવાના કારણે ખાડા ટેકરા તેમજ ધુળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે બાયપાસ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તા ઉપર બાલવાડીથી 12 ધોરણ સુધીની શાળાઓ પણ આવેલી છે. શાળાઓએ જતાં વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સલરા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા સભ્ય તેમજ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમેશભાઈ ભુરાભાઈ કટારાને નવીન રસ્તો બનાવવા માટે રજૂઆત કરાઈ છે. જો આ રસ્તો ઝડપથી બનાવાય તો ભારે તેમજ હલકા વાહનોને કારણે ફ્તેપુરા નગરમાં થતી ટ્રાફ્કિની સમસ્યાનો પણ ઉકેલ આવશે. તેમજ નવીન બસસ્ટેશન તેમજ રાજસ્થાન તરફ્ જતાં વાહનો તેમજ રાહદારીઓને નગરમાં પસાર થયા વગર સીધા ઝાલોદ બાયપાસરસ્તે પહોંચી જવાશે ત્યારે સત્વરે આ રસ્તો મંજૂર કરાય તેવી રજૂઆત કરાઈ છે.


