- પાલિકા, પ્રશાસન અને પોલીસની ગેરકાયદે દબાણ હટાવવાની વાતો માત્ર કાગળ પર
- રસ્તો બંધ હતો તેનો ગેરલાભ ઉઠાવી લારી-ગલ્લા ખડકાયા, રસ્તો સાંકડો બન્યો
- સ્થિતિનો ગેરલાભ ઉઠાવી લારીઓ અને ગલ્લા ગોઠવી દેવાયા હતા
આણંદમાં જૂના બસ મથકમાં એસ.ટી. બસોને પ્રવેશવાના મુખ્ય માર્ગને અડીને દબાણોનો રાફડો ફાટયો છે. જેના કારણે રસ્તો સાવ સાંકડો થઈ જતા બસો સહિતના વાહનો અને રાહદારીને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડયો છે. જૂના બસ મથકમાં આર.સી.સી.ના સ્લેબની કામગીરીના કારણે બસ સ્ટેન્ડમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ કરાયો હતો, ત્યારે આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી લારીઓ અને ગલ્લા ગોઠવી દેવાયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી તો બસ મથકમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ ખોલી નાંખવામાં આવ્યો છે. પરંતુ પાલિકા, પોલીસ અને પ્રશાસનની મહેરબાની અને હપ્તા ખાવાની દાનતથી આ દબાણકર્તાઓનો વાળ પણ વાંકો થયો નથી. હજુ પહેલાની જેમ જ બસ મથકની બહારના મુખ્ય રોડ પર દબાણો કરાતા આ રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાય છે. પ્રશાસનની ભ્રષ્ટ નીતિના કારણે દબાણકારોની છાવરવા જતા કોઈને અહીં જાન ગુમાવવાનો વારો આવે અથવા ઈજા પહોંચે તો નવાઈ નહીં ! તેવી વરવી સ્થિતિ દબાણોના કારણે થવા પામી છે. જૂના બસ મથકમાં એસ.ટી. બસોને પ્રવેશવાનો અને બહાર નીકળવાનો એક જ રસ્તો છે. જે રસ્તા પર લારી, ગલ્લાના દબાણો ઉપરાંત આડેધડ પાર્કીંગ પણ થાય છે. આ રસ્તાની એવી હાલત થઈ છે કે જતે દિવસે આ રસ્તાની હાલત પણ દબાણકર્તાઓ ટૂંકી ગલી જેવી કરી નાંખે તો નવાઈ નહીં ! બેસુમાર દબાણોના કારણે ટૂંકી ગલીનો રસ્તો તો લગભગ બંધ થઈ ગયો છે ! તેવી જ હાલત હવે જૂના બસ મથકની આસપાસ થવા લાગી છે. પાલિકા, પોલીસ અને પ્રશાસનના માણસો પોતાની ઓફિસોમાં બેસીને દબાણો હટાવવાની વાતો કરે છે, પણ વાસ્તવિકતા તો એ છે કે જૂના બસ મથકના ચારે બાજુના રસ્તા બેસુમાર દબાણોથી ઘેરાયા છે. તંત્ર દબાણો હટાવવાની યોજનાની વાતો કરે છે, તો વાસ્વતમાં દબાણોની માત્રા એટલી હદે વધી છે કે નાગરિકોને રોજેરોજ પરેશાનીમાં મૂકાવવાનો વારો આવે છે.


