- ચાલતી ટ્રેનમાંથી ચોંકાવનારી લૂંટ
- આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી
- સિગ્નલ લોસ કરી લૂંટને અપાયો અંજામ
ખેડા જિલ્લામાંથી પસાર થતાં ડાકોર ગોધરા રુટ પરથી પસાર થતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની. મધરાતે ડાકોર ગોધરા રુટ પર અંગાડી પાસે લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા સિગ્નલ લોસ્ટ કરીને ટ્રેનને રોકી હતી અને ત્યારબાદ 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. આ મામલે આણંદ રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.
ખેડાના ડાકોર ગોધરા ટ્રેનમાં લૂંટ કરી રેલ્વે પોલીસને લૂંટારાઓએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ડાકોરના ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટનુ સિગ્નલ લોસ કર્યું હતું અને ત્યારબાદ ટ્રેન ઉભી રહેતા લૂંટારુઓ ટ્રેનમાં ત્રાટક્યા હતા. લૂંટારુઓએ રાત્રે 1.40 કલાકે સિંગ્નલ લોસ કર્યું હતું અને તેથી ટ્રેન ઉભી રહી ગઇ હતી. લૂંટારુઓ ટ્રેનમાં ચઢીને 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ નજીકના હાઇવે પરથી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કોચમાં ચઢીને આતંક મચાવતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં રહેતા અને વ્યવસાયે શિક્ષક વર્ષાબેન કોઠારે આજથી બે દિવસ પૂર્વે ઉજ્જૈન ખાતે રહેતા પોતાના સબંધીઓને મળવા માટે ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અંબાવ અને અંગાડી રેલવે સ્ટેશનની વચ્ચે તેમની ટ્રેન ઉભી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો ઈસમ બારીમાંથી હાથ નાંખીને વર્ષાબેનના ગળામાં પહેરેલ અંદાજિત 50 હજાર રૂપિયાની કિંમતના 10 ગ્રામની સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયો હતો.
આવી જ રીતે આજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અમદાવાદમાં રહેતા ઉષાબેન કોનાની હેન્ડ બેગ પણ લેડીઝ પર્સ પણ બારીમાંથી હાથ નાંખીને અજાણ્યો ઈસમ ખેંચીને લઈ ગયો હતો. જેમાં રહેલ મોબાઈલ, રોકડ અને ATM કાર્ડ સહિત 7 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ગાંધીધામ ખાતે રહેતા મહેશ મંડોલિયાની ટૂરિસ્ટ બેગની લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં રહેલા બે મોબાઈલ અને રોકડ સહિત 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફર ભીષ્મ ત્રિપાઠીની બ્લેક કલરની બેગની તફડંચી કરવામાં આવી હતી. જેમાં રોકડા અને સોનાની ચેઈન સહિત 25 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આમ આ તમામ મુસાફરો પાસેથી કુલ 3.20 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં આણંદ રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિગ્નલ લોસ થવાથી ટ્રેન થોભી હતી. આ દરમિયાન અલગ-અલગ કોચમાંથી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ તો વર્ષાબેન કોઠારેની ફરિયાદના આધારે આણંદ રેલવે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિગ્નલ લોસ કઇ રીતે થયું તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


