હજુ પણ લોકોને પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે ફરિયાદીથી સાથે આરોપી જેવું વર્તન થતું હોય તેવી ફરિયાદ છે
પોલીસ તંત્રમાં કહેવાતા સુધારા સામે વાસ્તવિક સ્થિતિ જુદી છે : હજુ તોડપાણી અને સસ્પેન્શન, બદલીનો સીલસીલો ચાલુ છે
પોલીસ વિશે સામાન્ય જનતાની છાપ હજુ પણ ખરડાયેલી છે. તાજેતરમાં કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસમેનોએ હત્યા કેસમાં જે ભૂંડી ભૂમિકા ભજવી છે તેથી ફરી એક વખત પોલીસની સામાન્ય જનતા સાથેની વર્તણુંક અંગે સવાલ ઉભા થયા છે. સમાજમાં વ્યાપક ફરિયાદ છે કે જયારે કોઇ માણસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તરીકે જાય ત્યારે પોલીસ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને મોટા ભાગના કિસ્સામાં આરોપીઓ પ્રત્યે કૂણી લાગણી દાખવવામાં આવતા હોવાની ફરિયાદ છે. કુવાડવા પોલીસ સ્ટેશન જેવી જ સ્થિતિ અન્ય પોલીસ સ્ટેશનોની હોવાની પણ વ્યાપક છાપ છે.
સરકારના આદેશ મુજબ પોલીસ તંત્ર દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને તેમની કચેરીઓમાં સૂત્ર લગાડવામાં આવ્યું છે કે “પોલીસ પ્રજાનો મિત્ર છે”પરંતુ આ સૂત્ર હજુ સુધી સાર્થક થયું નથી. માત્ર દિવાલ પર શોભાના ગાઠિયા રૂપી ચોટાડવામાં આવ્યું છે. આજના સમયમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જે પોલીસને મિત્ર માને છે, હંમેશા મનમાં પોલીસ પ્રત્યે ખોફ જ રહેલો હોય છે. પોલીસ પ્રજાના રક્ષણ અને જાલમાલની રક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસ આ જ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા તૈયાર નથી અને કહેજે કહે છે “પગથિયાં ચડવાથી ભગવાન બચાવે”તેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, ફરિયાદી હોય કે આરોપી પોલીસની મરજી મુજબ જ કામગીરી અને વર્તન થાય છે. તે કુવાડવા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના પરથી ફલિત થાય છે.
સંત કબીર રોડ પર રહેતા અને નવાગામ ખાતે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા હર્ષિલ ગૌરી નામના 17 વર્ષીય સગીરની માથાના ભાગે મોબાઈલ નો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ અને જમાદારે આ ઘટનાને કંઈક અલગ જ રૂપ આપી દીધું હતું. અને પરિવારને જણાવી દીધું હતું કે તમારા પુત્રને હાર્ટએટેક આવવા મોત થયું છે. જેથી પરિવારના સભ્યોએ કાળજુ કઠણ રાખીને એકના એક પુત્રની અંતિમક્રિયા કરી નાખી હતી. પરંતુ એકના એક પુત્રની માતાને તેના પુત્રનું મોત હાર્ટએટેક થી થયું હોય તે માનવા તૈયાર ન હતી. જેથી અનેક વખત કહ્યા બાદ હર્ષિલના પિતાએ ગોડાઉનમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેની તપાસમાં એકના એક પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગય હતી.
તુરંત કુવાડવા પોલીસ મથકને જાણ કરવા માટે માતા-પિતા બંને ગયા હતા. પરંતુ નિષ્ઠુર અને નિર્દય પોલીસે હર્ષિલના માતા પિતાની એક પણ વાત સાંભળી ન હતી. જેથી 3 જુલાઈના રોજ કુવાડવા પોલીસ મથકમાં અને પોલીસ કમિશનર કચેરીમાં આ ઘટના અંગેની અરજી આપી દીધી હતી. છતાં પણ પોલીસ કમિશનર કચેરીના સ્ટાફે અરજીને અલગ અલગ પોલીસ મથકમાં ફેરવ્યા રાખી હતી. તો બીજી તરફ કુવાડવા પોલીસને અપાયેલી અરજી સંદર્ભે હર્ષિલના માતા પિતાને ત્રણ દિવસ સુધી પોલીસ મથકે બોલાવ્યે રાખી ધક્કા ખવડાવ્યે રાખ્યા હતા અને કોઈ ચોક્કસ પરિણામ આપ્યું ન હતું. છેલ્લે મીડિયા સમક્ષ આવેલા માતા પિતાની વાતને ઉજાગર કરાતા પોલીસ ભર ઊંઘમાંથી જાગી હતી.
હર્ષિલના માતા પિતા જ નહીં પરંતુ દરેક નાગરિક એટલું ચોક્કસ કહે છે કે, પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાથી ભગવાન બચાવે. કારણકે પોલીસનું વર્તન ફરિયાદી હોય કે આરોપી બંને સામે સરખું હોય છે અને કામગીરી કરવી કે ન કરવી તે તેના મિજાજ ઉપર આધાર રાખે છે. બાકી કામગીરી ન કરવી હોય તો પોલીસ તંત્ર તે કરતું જ નથી અને અરજદાર બિચારો મહિનાઓ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા કરે છે અને ન્યાયથી વંચિત રહે છે. આવું મૃતક હર્ષિલ ના કિસ્સામાં બન્યું હતું. હવે જ્યારે વાત ખૂલી પડી ગઈ છે ત્યારે મે મહિનામાં હર્ષિલની ઘટનામાં ઇન્કવેસ્ટ ભરનાર એએસઆઈ ચાવડા ખુલીને સામે આવ્યા છે. તેણે જાહેરમાં કહ્યું છે કે, આ ઘટનાથી કુવાડવાના પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવત બંને બીજા દિવસથી જ વાકેફ હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘટના બની તેના ત્રણ કલાકના વિડીયો ફૂટેજ પેન ડ્રાઈવમાં લઈ પીઆઇ ચાવડાને આપ્યા હતા. પરંતુ તેણે આ હત્યાની ઘટના કેમ દબાવી રાખી તે હજુ સુધી તેને ખબર નથી.
આ ઘટના છુપાવી રાખવા મામલે પોલીસ કમિશનરે એસીપીને તપાસ સોંપી છે, હવે જોવાનું એ રહ્યું કે, કુવાડવા પોલીસ સામે તપાસ કરનાર એસીપી તેમની તપાસમાં શું રંગ લાવે છે. પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવતને બચાવી લેશે કે પછી તેની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરશે..? તેવું દરેક નાગરિકના મુખેથી ચર્ચાઇ રહ્યું છે.