- શુક્રવારે ગુજરાત સરકારનું નવા નાણાકીય વર્ષનું બજેટ આવશે
- રામમંદિર અંગે સરકાર પાંચમીએ ઠરાવ લાવશે
- ભાજપની સ્ટ્રેન્થના ભયથી વિપક્ષ દબાણમાં
પંદરમી વિધાનસભાનું બીજું અંદાજપત્ર સત્ર આવતી કાલથી શરૂ થશે, જે આખો ફેબ્રુઆરી મહિનો ચાલશે. સંખ્યાબળની દ્રષ્ટિએ સત્તાધારી પક્ષ ભાજપ પાસે 88 ટકા સ્ટ્રેન્થ હોઈ લોકસભાની ચૂંટણી વેળાએ સ્વાભાવિક રીતે જ વિધાનગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમના સભ્યો ઓછા થવાના ડરથી સતત દબાણમાં રહેશે, પરિણામે વિપક્ષી તેવર જોવા નહીં મળે, બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજીવાર ગુજરાત સરકાર તરફથી વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યની સ્થાપના પછી લોકસભાની ચૂંટણીના વર્ષમાં પહેલીવાર રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટને બદલે પૂર્ણકદનું રેગ્યુલર બજેટ રજૂ કરનારી છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો આવનારી ચૂંટણીમાં ભરપૂર રાજકીય લાભ લેવા માટે કેન્દ્ર સરકારને અભિનંદન આપતો ઠરાવ પાંચમી ફેબ્રુઆરીએ ગૃહમાં લાવશે.
ગવર્નર દેવવ્રત આચાર્ય ગુરુવારે 12 ક્લાકના ટકોરે સભાગૃહમાં આવી પ્રવચન સભ્યો સમક્ષ વાંચી સંભળાવશે. આવતીકાલ ગુરુવારના ગૃહના કામકાજની યાદીમાં એકમાત્ર બિલ-ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા (સુધારી) વિધેયક-2024નો જ ઉલ્લેખ થયો છે, પરંતુ ફેબ્રુઆરીના કુલ 21 દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન 10 જેટલા વિધેયકો-સુધારા વિધેયકો સરકાર લાવશે.
કોંગ્રેસ સહિત સભ્યોની રજૂઆતને પગલે બુધવારે યોજાયેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં સત્ર દરમિયાન તમામ શનિવારે રજા રાખવાનો નિર્ણય લેવાયો છે, જેને પગલે 6,8,13 અને 20 એમ ચાર તારીખોએ ડબલ બેઠકો યોજાશે.
સભાગૃહનું સંખ્યાબળ
ભાજપ પાસે 156 સભ્યોની સ્ટ્રેન્થ છે. કોંગ્રેસના ચૂંટાયેલા 17 સભ્યો પૈકી વિજાપુરના ડો.ચતુરજી ચાવડાએ તથા ખંભાતના ચિરાગ પટેલે ભાજપની તરફેણમાં રાજીનામા આપેલાં છે, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પાંચ સભ્યો પૈકી વિસાવદરના ભૂપેન્દ્ર ભાયાણીએ તેમજ ત્રણ અપક્ષ સભ્યો પૈકી વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપના સિમ્બોલ હેઠળ ફેરચૂંટણી લડવાની મહેચ્છાથી રાજીનામાં આપેલાંWW છે. પરિણામે 182 બેઠકવાળી વિધાનસભામાં અત્યારે 178 ધારાસભ્યો છે.


