- આ બ્રિજને સંપૂર્ણ રીતે જોડી દેવામાં આવ્યો
- બ્રિજમાં બાકીની કામગીરી ચાલી રહી છે
- આજે આ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો
રાજ્યને આગામી સમયમાં એક મોટી ભેટ મળી શકે છે. જેમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજની કામગીરી તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ વચ્ચે આજથી બ્રિજનો લોડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યો હતો. જેના સાથે જ બ્રિજ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, સિગ્નેચર બ્રિજ ઉપર લોડ ટેસ્ટ માટે 48 જેટલી ટ્રકોમાં પથ્થર અને હેવી માલસામાન ભરવામાં આવ્યો હતો. જેમાં એક ટ્રકની અંદર 47 ટન જેટલો સામાન અંદાજે ભરવામાં આવ્યો હતો. જે બાદ આ ટ્રકોને 24 કલાક સુધી આ બ્રિજ પર ઉભી રાખવામાં આવી હતી.
તેમજ આ બ્રિજના કામગીરીમાં અંદાજે 150 લોકોએ કામગીરી કરી હતી. મહત્વનું છે કે આ બ્રિજ આગામી માર્ચ સુધીમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમજ મજબૂત અને સલામતીના આંતરરાષ્ટ્રીય માનાંક ધરાવતા કેબલ મારફત બે પાઇલોનથી(મોટા થાંભલા) લટકાવવામાં આવી રહ્યો છે, જેને સિગ્નેચરબ્રિજ નામ આપવામાં આવ્યું છે.
નોંધનીય છેકે, દ્વારકાથી બેટ દ્વારકા સુધીનું અંતર અંદાજે 34 કિલોમીટર છે, જેમાં 30થી 32 કિલોમીટરની આસપાસ જમીન માર્ગે, જ્યારે સવાબે કિલોમીટરની આસપાસ સમુદ્ર માર્ગે રોરો-ફેરીથી બેટ દ્વારકા પહોંચી શકાય છે, પરંતુ આવનારા ગણતરીના દિવસોમાં જ દ્વારકાના સ્થાનિકો તેમજ દેશભરના લાખો શ્રદ્ધાળુઓને દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે એક નવું અને અલગ જ પ્રકારનું નજરાણું મળવા જઈ રહ્યું છે.


