કથા પ્રસાદ
ઇને ચડવું નથી, પડવું છે અને અન્યને પાડવા છે !
“ના-દાન” એટલે જેને કોઇ દાનની અપેક્ષા નથી તે નાદાન !
કોઇ પણ જ્ઞાન-વિજ્ઞાન સંસ્કાર છે
વિશ્વ શાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વ ભારતીના જૈનાચાર્ય લોકેશમુનિના સંયોજન તળે પ્રવાહિત થઇ રહેલી રામકથા “માનસ સનાતન ધર્મ “ ગઇકાલે-મંગળવાર ચોથા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતું કે-તલગાજરડીય દ્રષ્ટિએ સનાતન સપ્તક છે. આ સાત લક્ષણો એટલેકે મારી દ્રષ્ટિએ સ્વભાવ. આપણી પરંપરામાં પંચક, અષ્ટક, સપ્તકનો મહિમા છે. તો આ સનાતન સપ્તક છે. બ્રહમ, પુરૂષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય અગાઉ કહયું એ પ્રમાણે બ્રહમ સનાતન છે, આદી છે. પુરૂષ પણ સનાતન છે. પ્રભાવ ક્ષણભંગુર પણ સ્વભાવનું મહત્વ છે. સ્વભાવ અધ્યાત્મ છે અને અધ્યાત્મ સનાતન છે. ધીમે ધીમે દરેક વિષયોમાંથી વિશ્રામ થતો જાય છે. ભવનમાં બેસીને વિષયથી વૈરાગ્ય ન આવે, ભવનના ખુણામાં બેસીને ધીમે ધીમે વિષયોથી વૈરાગ્ય થવો જોઇએ. ઘરનો ખુણો, હૃદયનો ખુણો અને આંખનો ખુણો સનાતન છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન છે. મને પ્રદીપ પુછતો હતો કે બાપુ, મૌન સનાતન છે? (પ્રદીપ મને ત્યારે જ પુછે જયારે મારે મૌન હોય!) યસ, મૌન સનાતન છે. શ્રી અરવિંદની ગાયત્રી સનાતન છે.
વિષય સાથે વિકાર અને સંસ્કાર જોડાયેલા છે. કોઇપણ જ્ઞાન વિજ્ઞાન સંસ્કાર છે. માનસમાં કહેવાયું કે પરનિંદા, પરદ્રોહ, પરઘન છોડો… પવિત્રતા આપણી પાસે આવવા આતુર છે. આપણી શરીર રૂપી બોટલ વિકાસોથી ભરેલી છે. જેમ કોઇ બોટલ કોઇ દ્રાવણ-રસાયણથી ભરેલી હોય તો એના બાજુ કશું ન સમાવાય! તેમ આપણી વિકારોથી ભરેલી બોટલ ખાલી ન થાય તો પવિત્રતા-પ્રકૃતિ આપણને ભરી દેવા માટે તત્પર છે. મારા કાગબાપુએ વર્ષો પહેલા લખ્યું છે કે…
અમે નિસરણી બનીને ઉભા
(પણ) ચઢનારા કોઇ ના મળ્યા રે
અમે દાદર બનીને ખીલા ખુબ ખાધા..
કોઇને નિસરણી ઉપર ચડવું નથી, પડવું છે અને બીજાને પાડવા છે ! પણ કાગબાપુને કહું કે કથા થકી ચઢનારા તમે સૌ મળ્યા છો.
અખંડાનંદ સરસ્વતીજીનું વિધાન છે: અનન્ય એ છે કે જે ફલન્ય નથી! એટલે કે જેને ફળની ઇચ્છા નથી. અનન્ય એ છે જે હનન્ય નથી! જે કોઇને હણે નહીં, કોઇની પણ કયારેય નિંદા કરે એ અનન્ય છે. ફલન્ય ફળની અપેક્ષાઓ છોડો, રસપી લો, બાપ ! કોઇ સનાતન બુધ્ધ પુરુષના મુખ્ય લક્ષણો-સ્વભાવ આ પ્રમાણે છે.. જંગમ બુધ્ધ પુરૂષ સનાતનીય બુધ્ધપુરૂષ હોય તે અસહાયને સહાય કરે એ સનાતન છે. બીજુ જેનો સંગ સારો લાગે એવો સાધુ મળી જાય.. સાધુ એટલે જેનું જીવન સાવ સાદુ હોય, જેનું જીવન સામુ હોય, જેનુ જીવન સાબુ જેવું હોય, જેલ સાબુ કપડાનો મેલ ધોવે છે એમ સાધુ આપણા મનનો મેલ ધોવે છે. જે બુધ્ધપુરૂષ હંમેશ સજજનતા સાથે મૈત્રી કરે તે સનાતન છે. અને જે શ્રેષ્ઠ છે તેને આદર આપે તે સનાતન ધર્મ છે. “શ્રેષ્ઠીન “ શબ્દમાં રેફ આવે છે એટલે ઉતમોતમ-શ્રેષ્ઠીન પછી એ શબ્દમાંથી રેફ ઉડી ગયો એટલે “શેઠ “ શબ્દ થયો અને પછી શેઠ શબ્દમાં રહેલો કાનો (ટોપી) ઉડી ગયો એટલે.. તમે સમજી લેજો હું એ શબ્દ નથી બોલતો, મને એ શબ્દ બોલવો ગમતો નથી. કથા શ્રાવકો-સાધકો મનમાં સમજી ગયા કે એ શબ્દ એટલે “શઠ “ !
મનુસ્મૃતિનો એક ઉતમ શ્લોક છે જે હું રોજ લાવું છું પણ કથા મને કયાં-કયાં લઇ જાય છે ! પણ મનુ-શતરૂપા આપણા દાદા-પરદાદા જે કહો તે એ શ્લોક તમે પણ બોલો… આ શ્લોકમાં સનાતનના લક્ષણો, સનાતન ધર્મના દસ લક્ષણો દર્શાવ્યા છે:
ધૃતી: ક્ષમા દમ: અસ્તેયમ્ સૌયમ્
ઇન્દ્રીય નિગ્રહમ ધી વિદ્યા સત્યમ્
અક્રોધો દસકમ્ ધર્મ લક્ષણમ
મનુસ્મૃતિના આ શ્લોકમાં રહેલી સનાતન ધર્મ અંગેની વ્યાખ્યા-સમજણ બાપુએ સરળ-સહજ ભાષામાં સૌ સાધકોને વિસ્તારથી સમજાવી હતી.
કથાના સમાપન સમયે પંજાબના રાજયપાલશ્રી ગુલાબચંદ કટાહીયા, પંજાબ કેસરી, અખબારના સુત્રધાર સુશ્રી કિરણ ચોપડા ઉપરાંત પનામા દેશના રાજદુત તથા રૂસ (રશિયા)ના રાજદુત પણ વિશેષ ઉપસ્થિત રહયાં હતાં અને સંક્ષિપ્તમાં સૌ એ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી હતી. ખાસ કરીને રૂસ-રશીયાના રાજદુતે પોતાનું વકતવ્ય હિન્દી ભાષામાં બોલ્યા ત્યારે સૌ ભાવિકોએ તાલીઓના ગડગડાટની એમને વધાવ્યા હતાં.
કથામૃત
(૧) અતિશયતા અંધત્વ છે.
(ર) ધર્મામૃત સનાતન છે: ભગવદ્ ગીતા
(3) અહંકારી છોડી મન, બુધ્ધી અને ચિતથી કથા સાંભળવી
(૪) ગમ બહોત હૈ, ખુલાસા કૌન કરે ? મુસ્કુરા દેતા હું, તમાસા કૌન કરે ?
(પ) મેરી મૈયર પર આના તો વકત પર આના, દફનાને વાલે મેરી તરહ ઇન્તઝાર નહી કરતે !
(૬) વો આઇ મેરી કબ્ર પર અપને હમસફર કે સાથ, કૌન કહતા હૈ મરને કે બાદ જલાયા નહી જાતા !


