તમારી પ્રવૃત્તિનો પ્રકાર ગમે તે હોય, મૂળભૂત રીતે તમે સુખની શોધમાં છો, પણ આ સુખ એટલું છેતરામણું રહ્યું છે.
`જો મારો બોસ મારા પર બૂમો પાડતો હોય તો હું કેવી રીતે આનંદિત રહું? જો મારી પત્ની મને સહકાર ન આપતી હોય તો હું કેવી રીતે આનંદિત રહું? જો મારું બેંક બેલેન્સ જીરો થઈ ગયું હોય, તો હું કેવી રીતે આનંદિત થાવ?’
હા, આ બધી જીવનની પરિસ્થિતિઓ છે, હવે હું તમને જે પ્રશ્ન પૂછવા માંગું છું તે એ છે કે, કોઈ પણ કારણસર જો બાહ્ય પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર જતી રહી હોય અને તમારા માટે અપ્રિય બની ગઈ હોય, તો શું એ વધુ મહત્ત્વનું નથી કે ઓછામાં ઓછું તમે તમારા અંતરતમને આનંદમય અને શાનદાર રાખો? આ જીવનમાં તમે ગમે તેટલી કાળજી સાથે ચાલો, અનિવાર્યપણે તમે દુનિયામાં કોઈક અપ્રિય સ્થિતિમાં આવી પહોંચશો. એ અનિવાર્ય છે. એક કે બીજી રીતે આપણે એમાં પ્રવેશીશું. તો જ્યારે આપણે અપ્રિય પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ, ત્યારે શું એમાં કોઈ બુદ્ધિમત્તા છે કે તમે તમારા અંતરતમને પણ અપ્રિય બનાવો? ખાસ કરીને જ્યારે બહારનું વાતાવરણ અપ્રિય હોય ત્યારે એ અત્યંત મહત્ત્વનું છે કે તમે તમારા અંતરતમને સુખમય રાખો.
આ કેવી રીતે સંભવ છે? જો તમે તમારા પોતાના જીવનના અનુભવને જુઓ, જ્યારે પણ તમને સુખ થયું, તે માટેનું કારણ ગમે તે હોય, કદાચ તમે સૂર્યોદય જોયો અને ખૂબ આનંદિત થયા, કદાચ તમે કોઈ સંગીત સાંભળ્યું અને ખૂબ આનંદિત થયા, કદાચ તમે કોઈ સફળતા મેળવી અને આનંદિત થયા, કારણ ગમે તે હોય, પણ જ્યારે પણ તમને સુખ કે આનંદ થયો ત્યારે તે હંમેશાં તમારી અંદરથી ઊભરાયો. તે ક્યારેય બીજે ક્યાંકથી તમારા પર વરસ્યો નથી.
તો સુખનો મૂળ સ્રોત તમારી અંદર છે. અત્યારે તે બહારથી પ્રેરિત થાય છે. હવે પસંદગી બસ એટલી જ છે કે તમે તેને બહારથી કરવા માંગો છો કે અંદરથી. સુખનો સ્રોત તમારી અંદર છે, પણ તેની સ્વિચ કોઈ બીજાના હાથમાં છે. તેઓ તેને ચાલુ કરી શકે છે કે બંધ કરી શકે છે. કોઈ પણ તમને સુખી કરી શકે છે, કોઈ પણ તમને દુઃખી કરી શકે છે, કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ ક્ષણે તમારા સુખને છીનવી શકે છે. જો તમારી હોવાની રીત જ બાહ્ય પરિસ્થિતિની ગુલામ હોય, તો આ સૌથી ખરાબ પ્રકારની ગુલામી છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ નક્કી કરે છે કે તમારી અંદર શું થવું જોઈએ. આ સૌથી ખરાબ પ્રકારની ગુલામી છે.
જ્યાં સુધી આ ગુલામી નાબૂદ ન થાય ત્યાં સુધી તમે વધુ સારી દુનિયા નહીં જુઓ. ગમે તેટલી ટેક્નોલોજી, ગમે તેટલી સગવડ, ગમે તેટલી સુવિધા હોય, જ્યાં સુધી તમે વધુ સારા માનવી ન બનાવો ત્યાં સુધી તમે વધુ સારી દુનિયા નહીં જુઓ. તો આને એક સુંદર જીવમાં ફેરવવા માટે થોડું ઈનર એન્જિનિયરિંગ કરવું પડશે.