- સ્ટબ્સની અણનમ 302 રનની ઇનિંગ
- સ્ટબ્સે પોતાની ઇનિંગમાં 37 બાઉન્ડ્રી અને છ સિક્સર ફટકારી હતી
- ટ્રિસ્ટન સ્ટબ્સ આ ટૂર્નામેન્ટની પાંચ મેચમાં બે સદી ફટકારી ચૂક્યો છે
ક્રિકેટ સાઉથ આફરીકા 4 ડે સિરીઝ ટૂર્નામેન્ટમાં ગુરુવારે દક્ષિણ આફરીકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે પહેલી ત્રેવડી સદી ફટકારી હતી. સ્ટબ્સ દક્ષિણ આફરીકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર 11મો બેટ્સમેન બની ગયો છે. તેણે વોરિયર્સ માટે રમતા ક્વાઝૂલુ-નાતાલ ઇનલેન્ડ વિરુદ્ધ 372 બોલમાં અણનમ 302 રનની ઇનિંગ રમી હતી. સ્ટબ્સે પોતાની ઇનિંગમાં 37 બાઉન્ડ્રી અને છ સિક્સર ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ આ ટૂર્નામેન્ટની પાંચ મેચમાં બે સદી ફટકારી ચૂક્યો છે અને તે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો છે. ગયા મહિને જ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા સ્ટબ્સે પહેલા દિવસે બેટિંગ કરતા 8 કલાક 19 મિનિટમાં જ પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી હતી. આફરીકાનો આ વિકેટકીપર બેટ્સમેન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીનો ખેલાડી છે. તેના ફોર્મને જોતા એમ મનાઈ રહ્યું છે કે સ્ટબ્સ દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતના સ્થાને વિકેટકીપિંગ કરતો જોવા મળશે.
બાવુમાના સ્થાને ટીમમાં સમાવાયો હતો
ટ્રિસ્ટન સ્ટબ્સ ગયા વર્ષે જુલાઈ મહિનામાં શ્રીલંકા પ્રવાસે જનારી દક્ષિણ આફરીકા એ ટીમનો સભ્ય હતો. તેમે કોલંબોની મેચમાં સદી ફટકારી હતી. તે બાદ તેને ભારત સામેની સિરીઝ માટે સિનિયર ટીમમાં સમાવાયો હતો. ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થતા તેને ટીમમાં સ્થાન અપાયું હતું.ભારત સામેની મેચમાં સ્ટબ્સે ચાર નંબર પર બેટિંગ કરતા મેચમાં 3 અને 1 રન બનાવ્યા હતા.


