- મોટાભાગના પ્રવાસીઓએ આખી રાત ટર્મિનલ પર વિતાવી
- ફ્લાઇટોના શિડયૂલ ખોરવાતા પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો
- ભારતમાં ખરાબ હવામાનને પગલે ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઈ જવાની સમસ્યા
અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઈ જતાં પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બુધવારે સ્પાઇસજેટની રાતે 9.30 વાગેની કોલકાતાની ફ્લાઇટ બુધવારે સવારે 10.14 વાગે ઉપડી હતી. જેને પગલે કેટલાક પેસેન્જરોને આખી રાત ટર્મિનલ પર બેસવા મજબૂર બન્યા હતા તો કેટલાક પેસેન્જરો પરત ફર્યા હતા. જ્યારે ગુરુવારે 13થી વધુ ફ્લાઇટ 1 કલાકથી 6 કલાક જેટલો વિલંભ થતાં પેસેન્જરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ફ્લાઇટોમાં સ્પાઇસજેટની 6, ઇન્ડિગોની 5 અને એર ઇન્ડિયાની બે ફ્લાઇટનો સમાવેશ થાય છે.
સ્પાઇસજેટની કોલકાતા જતી ફ્લાઇટ બુધવારે રાતે 9.30 કલાકે ટેકઓફ કરવાની હતી પરંતુ 13 કલાકથી વધુના વિલંભ બાદ બીજા દિવસે સવારે ટેકઓફ કરી હતી. જેના પગલે ફ્લાઇટના કેટલાક પેસેન્જરોને ટર્મિનલ પર આખી રાત બેસી રહેવાની ફરજ પડી હતી. છેલ્લાં કેટલાક સમયથી સ્પાઇસજેટની ફ્લાઇટોના શિડયૂલમાં કલાકોનો વિલંભ થવાને પગલે પેસેન્જરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ કર્યા બાદ ફ્લાઇટોમાં વિલંભ પડવાની સમસ્યાને પગલે અનેક એરપોર્ટ પર પેસેન્જરો દ્વારા હોબાળો પણ મચાવ્યો હતો. આ વચ્ચે શિયાળાની શરૂઆતને પગલે ઉત્તર ભારતમાં ખરાબ હવામાનને પગલે પણ ઘણી ફ્લાઇટોના શિડયૂલ ખોરવાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ છે.


