- તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત
- લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધી શકે
- વાતાવરણમા ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહશે
રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે જ શિયાળા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જો કે વરસાદની શક્યતા નહીંવત છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તથા હાલપૂરતી વરસાદની કોઈ સંભાવના નથી. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો પર વાદળ બંધાશે, પરંતુ આ વરસાદી વાદળ હશે નહીં.
દિવાળી બાદ ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વર્તવાની શરૂઆત થશે. મહત્ત્વનું છે કે છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતના ભાગોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર આવશે નહીં, પરંતુ ન્યૂનતમ તાપમાનમાં એક ડીગ્રી જેટલો વધારો નોંધાશે. ત્યાર બાદ ચાર દિવસ પછી ન્યૂનતમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
છેલ્લા બે દિવસથી અમદાવાદના વાતાવરણમાં સાંજ પડતાં જ અચાનકથી પલટો વર્તાય છે. આ પ્રકારના વાતાવરણને મિસ્ટ કહેવાય એમાં ધુમ્મસ જેવું અનુભવાય છે, જેને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને સામાન્ય દૃશ્યતામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વાદળ બંધાવાનું કારણ જણાવતાં મનોરમા મોહંતીએ કહ્યું હતું કે હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે. આ કારણે વાદળાં બંધાશે, પરંતુ આ વાદળ અપર લેવલમાં હાઇ ક્લાઉડ બંધાશે, તેથી એને વરસાદી વાદળ કહી શકાય નહીં.


