`રામચરિતમાનસ’ માનવ બનાવવાની ફોર્મ્યુલા છે, એટલે એને `માનસ’ કહે છે. એક પ્રક્રિયા સફળ થઈ છે. પુષ્પક વિમાનમાં બધા વાનર બેઠા હતા ત્યાં સુધી એ વાનર હતા. અયોધ્યાની ભૂમિમાં ઊતર્યા તો `ધરે મનોહર મનુજ સરીરા.’ મૌલિક જીવન જીવો. જે માયા આખા જગતને નૃત્ય કરાવે છે એ માયાને કૌશલ્યામાએ કેવા રૂપમાં જોઈ?
`દેખી માયા સબ બિધિ ગાઢી.’ મા કૌશલ્યાએ જોયું કે પરમાત્માના વિરાટ રૂપ પાસે માયા ઊભી છે. એ કેવી રીતે ઊભી છે? `અતિ સભત જોરેં કર ઠાઢી.’ અતિશય ભયભીત થઈને, હાથ જોડીને ઠાકુરની સામે માયા ઊભી છે, કેમ કે માયા બિચારી છે. જે માયારૂપી નર્તકી એ જીવને નચાવી રહી છે! જોયું તો ત્યાં મધુરી ભક્તિ ઊભી છે, ભયભીત થઈને કાંપતા જીવને મુક્ત કરનારું કીર્તન પણ ત્યાં ઊભું છે અને નર્તકી પણ ત્યાં ઊભી છે.
તો માયા ડરે છે કીર્તનથી. માણસ ભક્તિને કારણે નાચે છે ત્યારે માયા બિચારી બની જાય છે. માયાવી પદાર્થ હરિનામથી કાંપતા રહે છે. હરિનામના કીર્તનથી અને હરિનામના સ્મરણથી માયાવી પદાર્થ કાંપતા રહે છે. ભગવાનની કથા શરૂ થાય છે તો માયાને અંદર આવવાની મનાઈ થઈ જાય છે, પછી માયા બહાર રહે છે, પરંતુ કથા, કથા હોવી જોઈએ. કેવળ મનોરંજન હોય તો માયા પણ નર્તન કરવા માટે આવી જાય છે. કથા, કથા હોવી જોઈએ, જેમાં વક્તા અને શ્રોતાનો આત્મા નૃત્ય કરતો હોય. એટલા માટે મહારાષ્ટ્રના સંતોએ ખૂબ જ કીર્તન કર્યું. ઓશોએ પણ કીર્તન કરાવ્યું. એ નાચ્યા અને લોકોને પણ નચાવ્યા.
તુલસીદાસજીએ પરમાત્માના નામને પણ અમૃત કહ્યું છે. પરમાત્માની કથાને પણ અમૃત કહી છે. દરેક જગ્યાએ તુલસીદાસજીએ મંથનની પ્રક્રિયા કરી છે. સમુદ્રનું મંથન થાય છે તો ચૌદ રત્નો નીકળે છે. પરમાત્મા સમુદ્ર છે. સમુદ્રનું મંથન કરવાની યોજના થઈ, પરંતુ અહીં બ્રહ્મરૂપી સમુદ્રનું મંથન માત્ર દેવતાઓ જ કરે છે; તુલસીએ અસુરને એમાં જોડ્યા નથી. સાધુ લોકો જ, દેવતાઓ જ એનું મંથન કરે. જેની પાસે સૂર હશે એ સૂરવાળા લોકો મંથન કરશે. કથારૂપી અમૃત નીકળે છે મંથન કરવાથી, જેમાં ભક્તિરૂપી માધુર્ય હોય છે, પરંતુ ભગવાનની કથા એ નવ દિવસનું સાગરમંથન છે અને ભાગ્યશાળીને આ સાગરમંથનથી ચૌદ રત્નો મળી જાય છે.
એક ભાઈનો સવાલ છે, `સમુદ્રનું મંથન થયું તો એમાંથી કયાં ચૌદ રત્નો નીકળ્યાં?’ આપણે જ્યારે કથામાં કીર્તન કરીએ છીએ તો મંથન શરૂ થાય છે. મંથન માટે વલોવાવું જોઈએ. કીર્તન આપણને વલોવે છે. સંકીર્તન-ભક્તિ એક અર્થમાં વલોણું છે. શ્રી, મણિ, રંભા, વારુણી, અમીઅ, શંખ, ગજરાજ, કલ્પદ્રુમ, શશિ, ધેનુ, ધનુષ, ધન્વંતરિ, વિષ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો એ ચૌદ રત્ન છે. શ્રી ભગવાનની કથામાં જ્યારે આપણે નૃત્ય કરીએ છીએ ત્યારે એમાંથી કઈ શ્રી પ્રગટ થાય છે? શ્રીનો એક અર્થ થાય છે સમૃદ્ધિ. શ્રી એક આદરવાચક શબ્દ પણ છે, જેવી રીતે શ્રીમતી, શ્રીમાન, શ્રીનો એક અર્થ છે વૈભવ-વિલાસ. શ્રી એટલે તેજોમંડલ, તેજોવલય. શ્રીના ઘણા અર્થ છે અને જ્યારે આપણે નૃત્ય કરતા કરતા `માનસ’ને ગાઈએ છીએ ત્યારે એક વિશિષ્ટ પ્રકારની શ્રી પ્રગટ થાય છે. એમાંથી કથાનો વિલાસ, કથાનો મહિમા પ્રગટ થાય છે. પરમાત્માના નામનો વૈભવ કથામાં પ્રગટ થઈ જ જાય છે.
મણિ, ભગવાનની કથામાં જ્યારે નૃત્ય સાથે સંકીર્તન થાય છે ત્યારે તુલસીજી `રામચરિતમાનસ’ના `ઉત્તરકાંડ’માં જેને ભક્તિમણિ, ચિંતામણિ કહે છે, એ મણિ પ્રગટ થાય છે. ત્રીજું રત્ન રંભા. રંભા એક અપ્સરાનું નામ છે. અપ્સરા એને કહે છે, જે પૃથ્વી પર નથી રહેતી. અપ્સરાનો અર્થ છે કે જેનામાં કંઈક વિશેષતા હોય છે અને એ વિશેષતાનો જે બીજાની આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ નાખવાનો પ્રયત્ન કરે છે એને કહે છે અપ્સરા, પરંતુ કથામાં જ્યારે નૃત્ય-મંથન થાય છે ત્યારે એક જુદો અર્થ પ્રગટે છે. `રંભ’ શબ્દ એક અવાજનું નામ છે. કથામાં એક એવો પોકાર ઊઠે છે, જેવી રીતે ગાય વાછરડાંને પોકારે છે. પરમાત્માની પ્રાપ્તિની પીડાની એક મધુર આહનું નામ છે રંભ અને રંભા છે બહુવચન. કીર્તનભક્તિ, નૃત્યભક્તિ, હૃદયની ભક્તિમાંથી આ બધાં રત્નો નીકળે છે. વારુણી, વારુણી એટલે શરાબ. સમુદ્રમંથન થયું ત્યારે મદિરા પણ નીકળી. `જાહિં સ્નેહુ સુરાં સબ છાકે.’ જ્યારે સ્નેહ પ્રગટ થાય છે ત્યારે આંખોમાંથી છલકી જાય છે. કથામાં નૃત્યભક્તિમાંથી સ્નેહની વારુણી પ્રગટ થાય છે. `ભાગવતજી’માં રાસ પહેલાં સ્નેહની સુરા પ્રગટ થવા લાગી હતી. અમીઅ, અમૃત, નામામૃત. વિઠ્ઠલ શું છે? નામામૃત. પાંડુરંગ શું છે? નામામૃત. રુકમાઈ શું છે? નામામૃત છે. નૃત્ય-ભક્તિમાં પરમાત્માના નામનું એક અમૃત
ઊછળે છે.
શંખ, સમુદ્રમંથન વખતે શંખ નીકળ્યો જેને પાંચજન્ય શંખ કહે છે. મહારાષ્ટ્રમાં જે સંકીર્તન થાય છે એમાં સુંદર કંઠથી, સુંદર રાગથી, સુકંઠથી ગાવામાં આવે છે અને કંઠને ઉપમા મળે છે શંખની. ગજરાજ, ગજરાજ એટલે હાથી. હાથીનું મસ્તિષ્ક વિવેકનું મસ્તિષ્ક માનવામાં આવ્યું છે. કીર્તન એવું ન હોવું જોઈએ જે આપણને વિવેક ચુકાવી દે. સાચી કથા તો એ છે કે જેમાંથી વિવેકનું રત્ન પ્રગટ થાય. વિવેક એક રત્ન છે, જે કૃષ્ણ-કીર્તનથી સુલભ બને છે. કલ્પદ્રુમ, ભગવાનનું નામ કલ્પતરુ છે. જ્યારે આપણે એનું કોઈ પણ નામ લઈને સંકીર્તન ભક્તિમાં ઊતરીએ છીએ ત્યારે આપણે સાક્ષાત્ કલ્પતરુની છાંયામાં હોઈએ છીએ. કલ્પતરુનો અર્થ છે, જે કામના કરો એ કામના પૂરી થાય. સાચું કલ્પતરું તો એ છે કે જેની નીચે બેઠા પછી કોઈ કામના જ ઊઠે નહીં.
શશિ, ચંદ્ર, ચંદ્રની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. ચંદ્રનો અર્થ છે શીતલ પ્રકાશ. કીર્તનમાંથી જે ચંદ્ર નીકળે છે એમાં કોઈ કંલક નથી. કૃષ્ણ નામનું કીર્તન કરીએ ત્યારે એવો શીતળ પ્રકાશ નીકળે છે, આપણને કલંકમુક્ત ચાંદની પ્રાપ્ત થાય છે. ધેનુ, કામદુર્ગા ગાય. આ રામકથા જ સ્વયં કામદુર્ગા છે. ધનુ, કહેવાય છે કે સમુદ્રમાંથી સારંગ નીકળ્યું છે. ભગવાનની કથામાં જ્યારે આપણે મંથન કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં એક વિશેષ સમજ પ્રગટ થવા લાગે છે. ધન્વંતરિ, ધન્વંતરિ વૈદોનું નામ છે. તુલસી કહે છે, ભગવાનની કથા વૈદ છે. વિષ, ઝેર, કથાનું મંથન થાય છે તેમાંથી ઝેર પણ નીકળે છે. કયું ઝેર? જે કથા સાંભળે છે, કથામાંથી પ્રતિષ્ઠા પણ પામે છે અને છતાં પણ કથાની આલોચના કરે છે, એ ઝેર! ઉચ્ચૈ:શ્રવા, કાન સાબદા કરીને ભગવાનનું કીર્તન સાંભળવું એ ઉચ્ચૈ:શ્રવા છે. ભગવાનની કથા કાનને બિલકુલ સાવધાન કરીને જે સાંભળે છે, એ રામકથાનું રત્ન પામે છે.