આંધ્ર પ્રદેશમાં વેમના નામના એક અદ્ભુત સંત હતા. આંધ્ર પ્રદેશમાં એવું કોઈ ઘર નથી જ્યાં તેમના વિશે ઓછામાં ઓછું એક નાનું પુસ્તક ન હોય. તેમનું નામ બીજું હતું, પણ લોકો તેમને વેમના કહેતા હતા. જ્યારે તે નાનો છોકરો હતા, ત્યારે તેઓ એકદમ મૂર્ખ ગણાતા હતા. તે પોતાના ગુરુ સાથે રહેતો હતો જે તેને અક્ષરોની મૂળભૂત બાબતો શીખવવાનો પ્રયાસ કરતા હતા, પણ વેમના પંદર વર્ષનો હોવા છતાં પણ થોડાક અક્ષરો સિવાય વધુ કશું શીખી શકતો ન હતો, કેમ કે તે ખૂબ જ બુદ્ધિહીન હતો.
એક દિવસ ગુરુને કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડ્યું. તેઓ નદીમાં સ્નાન કરવા ગયા અને વેમનાને કહ્યું, “જ્યાં સુધી હું સ્નાન પૂરું ન કરું ત્યાં સુધી મારા કપડાં તારા હાથમાં પકડી રાખ. ધ્યાન રાખજે કે તેને કાદવમાં નીચે ન મૂક.” સ્નાન પૂરું થયા પછી તેમણે વેમનાને બોલાવ્યો, જેણે કપડાં કાદવમાં ફેંકી દીધાં અને દોડીને ગુરુ પાસે ગયો.
ગુરુ તેનાથી ખૂબ જ નારાજ થયા, પણ છોકરો તેમની તરફ બસ એમ જ જોતો રહ્યો. તો ગુરુએ ખૂબ જ ગુસ્સામાં તેને ચોકનો એક ટુકડો આપ્યો અને કહ્યું, “અહીં બેસ અને જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આ પથ્થર પર `રામ, રામ, રામ’ લખતો રહે. આશા છે કે આમાંથી તને ઓછામાં ઓછું કંઈક તો મળશે.” પછી તેઓ પોતાના કામે ગયા.
છોકરાને ખૂબ જ દુઃખ થયું કે તેના ગુરુની બધી મહેનત તેના પર વ્યર્થ જઈ રહી છે. તે ત્યાં બેસીને રામ, રામ, રામ લખતો રહ્યો. ચોક ઘસાઈ ગયો, પણ તે આંગળીથી લખતો રહ્યો. આંગળી ઘસાઈ ગઈ અને ખૂબ લોહી વહેતું રહ્યું, પણ તે રામ, રામ, રામ લખતો જ રહ્યો. સાંજે ગુરુ આવ્યા અને જોયું કે આ છોકરો હજુ પણ `રામ’ લખી રહ્યો છે અને તેની આંગળી સાવ ઘસાઈ ગઈ છે. તેમણે છોકરાને ઉપાડ્યો અને તેને ભેટ્યા. “મેં તારી સાથે શું કર્યું?” તેઓએ કહ્યું.
તે દિવસ પછી આ છોકરો એટલો અદ્ભુત કવિ બન્યો અને એક આત્મજ્ઞાની તરીકે જીવ્યો. તેણે સેંકડો કવિતાઓ લખી! જો કોઈ વ્યક્તિ પાસે આવી અડગતા હોય, જો તે એક જ દિશામાં પૂરી રીતે ધ્યાન આપે, તો તે માણસને કંઈ પણ નકારી શકાય નહીં.
આ જ વાત શંકર કહે છે જ્યારે તેઓ કહે છે, “નિશ્ચલતત્ત્વે જીવનમુક્તિ.” આનો અર્થ એ છે કે જો તમારી પાસે અડગ હેતુ હોય, તો તે હેતુ ભલે ગમે તે હોય, તમે મુક્ત થઈ જશો. જો નિશ્ચલ તત્ત્વ નથી, તો મુક્તિ નથી, ફક્ત અવ્યવસ્થા રહેશે. નિશ્ચલ તત્ત્વ જરૂરી છે. નહીં તો તમે તમારી સીમાઓ અને આવતી અડચણોને પાર કરી શકશો નહીં. દરેક અડચણ એક અશક્ય પર્વત જેવી લાગશે.
જો લક્ષ્ય નક્કી હોય, જો બીજો કોઈ રસ્તો ન હોય અને તે જ એકમાત્ર વસ્તુ હોય, તો લોકો ક્યારેય કંઈક અશક્ય છે એવું નહીં વિચારે. તેઓ હંમેશાં સંભાવના માટે પ્રયાસ કરતા રહેશે. આધ્યાત્મિક સાધકે આ જ કરવું જોઈએ. આ પહેલી અને સૌથી મહત્ત્વની વસ્તુ છે જે તમારે કરવી જોઈએ. એવો એક અડગ મુદ્દો સ્થાપિત કરો કે આ એક વસ્તુ બદલાય નહીં. જો તમે આમાં સમાધાન નહીં કરો, તો બાકીનું જીવન તમારી પાછળ વ્યવસ્થિત રીતે ગોઠવાશે, તમારી સામે અડચણ તરીકે નહીં. જીવન તમારી પાછળ વ્યવસ્થિત રીતે ગોઠવાશે અને હંમેશાં તમને ટેકો આપશે. તમારી શક્તિઓ, તમારી ઊર્જા, આખું વિશ્વ તમારી પાછળ વ્યવસ્થિત રીતે ગોઠવાશે, કેમ કે તમારી પાસે નિશ્ચલ તત્ત્વ છે.


