- સુરસાગર, પોઇચા, નારેશ્વર,ચાંદોદમાં નૌકાવિહાર બંધ
- જિલ્લા પોલીસવડા અને કલેક્ટર વચ્ચે ચર્ચા બાદ નિર્ણય
- સુરક્ષાના સાધન પૂરતા કર્યા બાદ શરૂ કરવા મંજૂરી મળશે
વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થયા છે. જેમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, શિક્ષકો હોડીમાં સવાર હતા.આ ઘટના બન્યા બાદ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ઘટના બન્યાના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમના દ્વારા અપાયેલા કડક કાર્યવાહીના આદેશ બાદ તંત્ર જાગ્યું છે અને સાથે જ બોટિંગને લઈને નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
શું છે નવા નિયમો
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ જિલ્લાનું વહીવટી તંત્ર જાગ્યું છે અને સાથે જ શહેર જિલ્લામાં નૌકાવિહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વડોદરાના હરણી, સુરસાગર તળાવની સાથે પોઇચા, નારેશ્વર,ચાંદોદમાં પણ નૌકાવિહાર બંધ કરાવી દેવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસવડા રોશન આનંદે જાહેર કર્યો નિયમ
જિલ્લા પોલીસવડા રોશન આનંદે જિલ્લા કલેકટર સાથે ચર્ચા કર્યા બાદ પ્રતિબંધ જાહેર કર્યો હોવાની વાત સામે આવી છે. તેઓએ કહ્યું છે કે નૌકાવિહાર ચાલતી હોય તે તમામ નજીકના પોલીસ સ્ટેશનને સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ચાલતી નૌકાવિહાર બંધ થતા કિનારા પર બોટનો ઢગલો જોવા મળ્યો હતો. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે સુરક્ષાના સાધનોની પૂર્તિ કર્યા બાદ જ નૌકાવિહાર ફરીથી શરૂ કરવાની મંજૂરી મળશે.
શું હતી ઘટના
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો શાળામાંથી પિકનિક પર ગયા હતા અને આ સમયે તેઓ હરણી તળાવમાં બોટમાં બેઠા હતા. 16ની ક્ષમતાવાળી બોટમાં 34 લોકોને બેસાડ્યા હતા. જેમાં જાનવી હોસ્પિટલમાં 9, સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે. તેમજ બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા તેથી આ ઘટના બની છે. તેમાં 12 બાળકો અને બે શિક્ષકના મોત થતા શાળા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બનાવ બન્યા બાદ તુરંત જ શાળા પર બેરિગેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમજ મુખ્ય આરોપી સહિત નીચે પ્રમાણેના શખ્સોની અટકાયત કરી છે. જેમાં બીનીત કોટિયા – કોટિયા પ્રોજેકટ ના સંચાલક, હિતેશ કોટિયા – કોટિયા પ્રોજેકટ સંચાલક, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ – સંચાલક, હરણી લેક ઝોન, દીપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોશી, નેહા દોશી, તેજલ દોશી, ભીમસિંહ યાદવ, તેજ પ્રકાશ યાદવ, ધર્મીન ભતાણી -સંચાલક, હરણી લેક્ઝોન, નૂતન શાહ, વૈશાલી શાહ, શાંતિ લાલ સોલંકી – મેનેજર, હરણી લેક્ઝોન, નયન ગોહિલ – બોટ ઓપરેટર, અંકિત – બોટ ઓપરેટર છે. તેમજ પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.


