- AMCની નવનિયુક્ત રેવન્યૂ કમિટિએ ટાર્ગેટ સેટ કર્યો
- શુક્રવારે એક જ દિવસમાં બાકી વેરાવાળી 2,562 મિલકતો સીલ
- કલેકટર કચેરીમાં 221 મિલકત પર બોજો દાખલ કરાયો
અમદાવાદ મ્યુનિ.નવનિયુકત રેવન્યૂ કમિટીએ બાકી ટેક્સની રિકવરી માટે મહિનાની 200 મિલકતોમાં બોજો દાખલ કરવા ટેક્સ ખાતાને ટાર્ગેટ આપ્યો છે. શુક્રવારે કમિટીની બેઠક મળવાની હતી તેજ દિવસે એક જ દિવસમાં 2562 મિલકતો સીલ કરીને 7.14 કરોડની ટેક્સની વસુલાત કરાઇ છે.
રેવન્યૂ કમિટીના ચેરમેને કહ્યું કે, મ્યુનિ.કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર નાગરિકોને નોટિસ આપી સીલિંગ સુધીની કાર્યવાહી કરાશે. ટેક્સ વિભાગ દ્વારા દર શુક્રવારે શહેરના તમામ વિસ્તારમાં જે પણ બાકી ટેક્સ ધારકો છે, તેઓની મિલકત સીલિંગની ટ્રિગર ઇવેન્ટ કરાય છે. જેમાં છેલ્લા બે મહિનામાં દર અઠવાડિયે થઇ રહેલી મિલકત સીલિંગ ઝુંબેશમાં સરેરાશ 2500 જેટલી મિલકતોને સીલ કરાઇ છે. આ પછી ટેક્સ નહીં ભરનારની મિલકત પર બોજો દાખલ કરવા કલેકટર કચેરીમાં કાર્યવાહી કરાય છે. કલેકટર કચેરીમાં 221 મિલકત પર બોજો દાખલ કરાયો છે અને 216 મિલકત પર બોજો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સિવાય જે મિલકતો પર એક લાખથી વધુ રકમ બાકી ધરાવતી મિલકત વપરાશમાં હશે તો સીલિંગ પ્રક્રિયા કરાશે. હાલ રાજ્યની સરકારની મિલકતોના બાકી ટેક્સના લેણાં પણ હવે સમયસર ભરાઇ રહ્યા છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલ દ્વારા રુપિયા 2.12 કરોડનો જ્યારે જિલ્લા કલેક્ટર કચેરીનો 4.82 લાખનો ટેક્સ ભરાયો છે. રાજ્ય સરકારની મિલકતોમાં 20 ટકા અને કેન્દ્ર સરકારની મિલકતોમાં 25 ટકા રાહત ટેક્સમાં અપાય છે.


