24મી ઓગસ્ટ વીર કવિ નર્મદની જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેની ઉજવણી અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્રમાંક નં-232, ગણેશપુરા – કતારગામમાં શાળાના આચાર્યા નિશા વાળાની પ્રેરણાથી શિક્ષક પ્રવીણસિંહ પરમાર દ્વારા ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓને રાજેશ ધામેલિયા સંપાદિત ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તિકાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. વીર નર્મદે ગુજરાતી ભાષાના પ્રથમ કોશ ‘નર્મકોશ’ની રચના કરીને માતૃભાષાની ખૂબ મોટી સેવા કરી છે. તેમની સ્મૃતિમાં આ પુસ્તિકા વહેંચવામાં આવી હતી. આ પુસ્તિકા પણ કોશનું સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય તેવી છે. વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જોડણીના નિયમો શીખી શકે તે માટે દર અઠવાડિયે વિવિધ ઉદાહરણો સાથે એક નિયમની સમજ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ ભાષાશુદ્ધિ પ્રત્યે જાગૃત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. તેમ શાળાના આચાર્યા નિશા વાળાએ જણાવ્યું હતું.