- કોસીન્દ્રાની શાળામાં વિદ્યાર્થિનીઓની છેડતી કરી
- હોમવર્ક બતાવવાના બહાને બોલાવી કરી છેડતી
- વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો
લંપત શિક્ષકો પોતાની કરતૂતો છોડી નથી રહ્યા. આણંદના આંકલાવ તાલુકાના કોસિન્દ્રા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે શાળામાં ફરજ બજાવતા શિક્ષક કિરણ બુધાભાઈ વાળંદે શારીરિક અડપલાં કર્યાંની ઘટના સામે આવી છે. જેમાં શિક્ષકે હોમવર્ક બતાવવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવી અને છેડતી કરી હતી.
આ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો અને ભોગ બનનારી વિદ્યાર્થિનીઓના વાલીઓએ જણાવ્યું હતું કે તેમની દીકરીઓ છેલ્લા એક મહિનાથી સ્કૂલે જવાનો ઈનકાર કરતી હતી. અમે પૂછીએ તો તે કંઈ કહેતી ન હતી, પરંતુ હિંમત આપીને પૂછપરછ કરતાં શાળાના શિક્ષક તેના શરીર પર હાથ ફેરવતા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે આ સમગ્ર મામલે શુક્રવારે વાલીઓને જાણ થતાં મોટી સંખ્યામાં શાળા પર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ શિક્ષકોને મેથીપાક પણ ચખાડ્યો હતો. શિક્ષકને કડકમાં કડક સજા મળે એવી વાલીઓએ માગ કરી હતી. જે પછી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


