દિવાળી સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સંભવિત કામગીરીનો પ્રારંભ
આચારસંહિતા હટવાની રાહ જોતી રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટવાસીઓને રિવરફ્રન્ટનું નજરાણું આપવા માટે છેલ્લા ઘણાં સમયથી મહાનગરપાલિકામાં ચર્ચાઓ ચાલી રહી છે અને તે અંગેની સાઇટ વિઝીટો પણ કરવામાં આવી છે. તેમજ રિવરફ્રન્ટના પ્રોજેકટમાં આવતા મકાનોને પણ દૂર કરવા માટેની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં જ રિવરફ્રન્ટ પ્રોજેકટ માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે અને દિવાળી સુધીમાં તેની પ્રક્રિયા પૂર્ણ કરી સંભવિત કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આજી રિવરફ્રન્ટનો પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેમાં હાલ વિવિધ સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ બાબતે સ્થળ ચકાસણી સહિતની કામગીરી વિવિધ અધિકારીઓને સોંપવામાં આવી છે. તેમજ પદાધિકારીઓ દ્વારા પણ અવાર-નવાર સાઇટ વિઝિટ કરવામાં આવે છે ત્યારે આ ઘણા ટાઇમથી અટકેલા પ્રોજેકટને જૂન માસમાં આગળ વધારવામાં આવશે તેવા પણ સંકેત મ્યુનિ.કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.
વધુમાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે તા.૭ જૂનથી આજી રીવફ્રન્ટ પ્રોજેકટ સહિત ૧૫૦ જેટલા પ્રોજેકટના ટેન્ડરો બહાર પાડવામાં આવશે. જે પ્રક્રિયા તા.૧૫ જૂન સુધી ચાલશે. દિવાળી સુધીમાં તમામ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ વિવિધ પ્રોજેકટની કામગીરી હાથ પર લેવામાં આવશે. જેમાં આજી રિવરફ્રન્ટના પ્રોજેકટને પ્રથમ તબક્કે પ્રાથમિકતા આપવામાં આવશે અને આ પ્રોજેકટ વહેલી તકે શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
હાલ લોકસભા ચૂંટણીને લઇને આચારસંહિતા અમલમાં હોવાથી તમામ કામગીરી તેમજ ટેન્ડરની પ્રક્રિયાઓ અટકી પડી છે. તા.૪ જૂને મત ગણતરી અને રીઝલ્ટ આવ્યા બાદ આચારસંહિતા હટવાની રાહ જોવામાં આવી રહી છે. આચારસંહિતા હટતાની સાથે જ તમામ પ્રોજેકટોને હાથ ઉપર લેવામાં આવશે અને વહેલી તેની કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજકોટવાસીઓને રિવરફ્રન્ટનું નઝરાણું આપવા માટે અસંખ્ય વખત રજુઆતો થઇ ચુકી છે અને તેના માટે સાઇડ વિઝીટો પણ કરવામાં આવી છે. પરંતુ આ પ્રોજેકટ કોઇને કોઇ કારણોસર અટકી પડયો છે. ત્યારે મનપા દ્વારા આચારસંહિતા હટતાની સાથે તેને પ્રાથમિકતા અપાશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.


