- પોલીસે અમદાવાદ સ્પીપામાંથી અટક કરી લીધી
- બી.ડી.નીનામા બાદ બીજા અધિકારીઓને સાણસામાં લેવામાં આવ્યા
- નકલી કચેરીઓનું ભુત ફરી ધુણવા લાગ્યુ છે
દાહોદ નકલી કચેરી કૌભાંડમાં 13 આરોપીઓની ધરપકડ કરી દેવાઈ છે.આ કૌભાંડમાં પોલીસ ફરીયાદ નોંધાયાના ત્રણ માસ પછી પોલીસે દાહોદની અદાલતમાં 3434 પાનાની દળદાર ચાર્જશીટ દાખલ કર્યા પછી દાહોદના વધુ એક તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડયાની ધરપકડ કરાતા નકલી કચેરીઓનું ભુત ફરી ધુણવા લાગ્યુ છે.
છોટાઉદેપુરમા નકલી કચેરી કૌભાંડનો પર્દાફશ થયો હતો.તેની પ્રાથમિક તપાસ શરુ થતાની સાથે જ આ કૌભાંડનો રેલો દાહોદ સુધી પહોંચતા જિલ્લાના સરકારી તેમજ રાજકીય આલમમા ભૂકંપ આવ્યો હતો.કારણ કે છોટાઉદેપુરના જ ભેજાબાજોએ દાહોદ જિલ્લામા એક બે નહી પરંતુ એક સાથે 6 સિંચાઈ વિભાગની નકલી કચેરીઓ ખોલીને જે તે સમયે 100 કામો મંજૂર કરાવી 18.59 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો ભંડાફેડ થયો હતો. જેની પોલીસ ફરીયાદ 10-11-2023ના રોજ નોંધાવાઈ હતી. નકલી કચેરીના નકલી બાબુઓએ અસલી કચેરીઓના અસલી બાબુઓ સાથે મળીને રોકડી કરી લેવાની એક પછી એક કડીઓ મળતા પોલીસે ધરપકડનો દોર શરુ કર્યો હતો.જેમાં 7 સરકારી બાબુઓ કે જેમાં પૂર્વ IAS ઓફ્સિર અને તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તેમજ નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે. કૌભાંડની તપાસમાં પોલીસે વિવિધ બેન્ક એકાઉન્ટના 200 જેટલા સ્ટેટમેન્ટ સહિત અન્ય દસ્તાવેજી પુરાવા તેમજ અન્ય જવાબો મળી કુલ 3434 પાનાની ચાર્જશીટ 9 ફેબ્રુઆરીએ દાહોદ પોલીસ દ્રારા કોર્ટમા દાખલ કરાઈ હતી.ત્યારે જ પોલીસે કોર્ટમા જણાવ્યું કે તપાસ હજી ચાલુ જ રહેશે. જેથી વધુ ધરપકડ થવાની સંભાવના હતી જ તે પ્રમાણે જ પોલીસે તત્કાલિન પ્રાયોજના વહીવટદાર સંજય પંડયા (જીએએસ)ની ધરપકડ કરાઈ છે.


