અસત્ય વ્યક્તિને અધોગતિના માર્ગે લઈ જાય છે જ્યારે સત્ય ઉન્નતિના માર્ગે લઈ જાય છે. હંમેશાં સત્યનો જ વિજય થાય છે. સત્યના માર્ગે ચાલવાથી સુખ મળે છે અને અસત્ય પાસે રહેલું સુખ પણ છીનવી લે છે. સત્યના માર્ગે ચાલવાથી કેવા લાભ થઈ શકે છે તેનું એક દૃષ્ટાંત જોઈએ.
એક વ્યક્તિ એક ખૂબ જ્ઞાની સાધુ પાસે ગયો અને કહ્યું, `મહારાજ, મને ગુરુમંત્ર આપો.’
સાધુએ કહ્યું, `તું શું કરે છે?’
તેણે કહ્યું, `હું ચોરી કરું છું.’
`શું તું જુઠ્ઠું પણ બોલે છે?’
`હા, બોલું છું મહારાજ.’
`તું કોઈ પ્રકારનું વ્યસન કરે છે?’
`હા, મહારાજ’
સાધુએ કહ્યું, `તું આ બધું જ કરે છે. એટલે કે તારામાં બધા જ પ્રકારના અવગુણ છે, તેથી હું તને ગુરુમંત્ર નહીં આપું.’
ચોરે કહ્યું, `મહારાજ, બહુ દૂરથી આવ્યો છું. મહેરબાની કરીને મને ગુરુમંત્ર આપો.’
સાધુને થોડી દયા આવી અને કહ્યું, `ઠીક છે, કાલે આવજે.’
બીજા દિવસે ચોર પાછો આવ્યો. ત્યારે સાધુએ કહ્યું, `તારામાં બધા જ અવગુણ છે. તું એક પણ અવગુણ છોડે તો હું તને ગુરુમંત્ર આપી શકું.’
ચોરે કહ્યું, `સારું મહારાજ, હું જુઠ્ઠું બોલવાનું છોડી દઈશ.’
ત્યારબાદ સાધુએ ચોરને ગુરુમંત્ર આપ્યો. ગુરુમંત્ર મેળવી ચોર ચાલ્યો ગયો.
થોડા દિવસ વીત્યા પછી ચોરે વિચાર્યું કે રાજાના મહેલમાં ચોરી કરવી જોઈએ. રાજાને ત્યાં ચોરી કરવાના ઈરાદે તેણે રાજમહેલની દીવાલની અંદરની બાજુએ છલાંગ લગાવી. અંધારું બહુ હતું. દીવાલ કૂદ્યા પછી તે કોઈને અથડાયો. અંધારામાં તે વ્યક્તિએ પૂછ્યું, `તું
કોણ છે?’
ચોરે કહ્યું, `હું ચોર છું. રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યો છું.’
`પહેલાં ક્યારેય આવ્યો છે?’
`ના, પહેલી વાર જ આવ્યો છું.’
`પહેલાં શું કરતો હતો?’
`નાની-મોટી ચોરી કરતો હતો.’
સામે ચોરે પણ પૂછ્યું, `તમે કોણ છો?’
સામેથી જવાબ મળ્યો, `હું પણ ચોર છું.’
`પહેલાં પણ આવતો હતો?’
`હા, હું બહુ જૂનો ચોર છું. મહેલમાં મેં અનેક વાર ચોરી કરી છે. મને રાજમહેલના બધા જ રસ્તા ખબર છે. મને તો ખજાનો ક્યાં છે તેની પણ ખબર છે. ચાલ, જે મળશે તે અડધું-અડધું કરી લઈશું.’
ત્યારબાદ બંને જણ ખજાના પાસે પહોંચ્યા. ખજાનામાં અપાચ ધન, સોનું-ઝવેરાત વગેરે પડ્યું હતું. ચોરે કહ્યું, `જો ભાઈ, આ રાજાનો ખજાનો છે. તેને આનાથી પ્રજાનું પાલન-પોષણ કરવાનું હોય છે. તેથી આમાંથી આપણે માત્ર આપણા ખપ પૂરતું જ લેવું જોઈએ. જો અહીં હીરા પડ્યા છે તે લઈ લઈએ. ત્રણ હીરા છે. તેમાંથી એક તું લઈ લે, એક હું લઈ લઉં છું અને ત્રીજો હીરો રહેવા દઈએ.’
બંને ચોર એક-એક હીરો લઈને ત્યાંથી જતા રહ્યા. થોડા દિવસ પછી રાજાએ કહ્યું, `દીવાનજી, ખજાનો જોઈ આવો, બધું બરાબર તો છેને!’
દીવાને ખજાનો જોયો તો બે હીરાની ચોરી થઈ હતી. તેણે ત્રીજો હીરો પોતે લઈ લીધો અને રાજાને કહ્યું, `મહારાજ, ત્રણે હીરા ચોરાઈ ગયા છે.’
ત્યારબાદ રાજાએ ફરમાન કર્યું કે, `રાજ્યના તમામ નાના-મોટા ચોરોને દરબારમાં હાજર કરો.’
રાજ્યના બધા જ ચોરોને પકડીને દરબારમાં હાજર કરવામાં આવ્યા. પછી બધા જ ચોરને હીરાની ચોરી વિશે પૂછવામાં આવ્યું. જ્યારે ખરા હીરાચોરનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું, `મારી પાસે એક હીરો છે.’ તેણે તે હીરો રાજાને આપ્યો. રાજાએ કહ્યું, `હીરા તો ત્રણ ચોરાયા હતા. આ તો એક જ મળ્યો. બાકીના બે હીરા ક્યાં ગયા?’
ચોર સમજી ગયો કે રાત્રે તેને દીવાલ કૂદતી વખતે જે ચોર ભટકાયો હતો તે બીજું કોઈ નહીં, પણ રાજા જ હતા. ચોરે કહ્યું, `મહારાજ, બીજો હીરો તમારી પાસે છે.’
રાજાએ પોતાની પાસે રહેલો હીરો કાઢ્યો અને કહ્યું, `દીવાનજી, ત્રીજો હીરો તમારી પાસે છે?’ ગભરાઈ ગયેલા દીવાને કંઈ બોલ્યા વગર ત્રીજો હીરો કાઢીને આપી દીધો. રાજાએ દીવાનને સખત સજા કરી અને ચોરને દીવાન બનાવવાની જાહેરાત કરી. સભામાં બધા જ લોકોને રાજાના આ નિર્ણયથી ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યારે તેનું સમાધાન કરતાં રાજાએ કહ્યું, `આ વ્યક્તિ ચોર છે, પરંતુ સાચો છે. દીવાન ઉચ્ચ પદ પર છે, સારો પગાર મેળવે છે. તે જ ખજાનામાંથી ચોરી કરે છે અને જુઠ્ઠું પણ બોલે છે.’
સત્યના માર્ગે ચાલવાથી જ ચોરનું નસીબ જાગ્યું અને તે દીવાન બની ગયો.