- સુરતમાં કોમેડી ડ્રામા ફિલ્મ આમદની…ના પ્લોટની યાદ અપાવે એવી ત્રણ યોગાનુયોગ ઘટના
- પતિને વેલણથી મેથીપાક આપ્યો
- અન્ય કિસ્સામાં કાન એવો કરડયો કે છૂટો પડી ગયો
ઘરમાં પતિ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારાતો હોવાની ઘટનાઓથી વિપરીત રીતે શહેરમાં મંગળવારે એક જ દિવસમાં ત્રણ-ત્રણ કિસ્સાઓ પત્ની પિડિત પતિઓના બહાર આવ્યા હતા. આ કિસ્સાઓ પૈકીના એકમાં તો પત્નીએ પતિનો કાન એવી રીતે કરડી લીધો હતો કે કાન છૂટો પડી ગયો હતો અને પતિએ તે હાથમાં લઈને હોસ્પિટલમાં જવાની નોબત આવી હતી.
સોશિયલ મિડિયાની હળવી ભાષામાં કહીએ તો ડોમેસ્ટીક વાયોલન્સની કથિત ગંગાનો પ્રવાહ ઉલટો કરી નાંખનારી વિફરેલી આ પત્નીઓના હિંસાત્મક આક્રમણનો ભોગ બનેલા પતિદેવોએ હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો. યોગાનુયોગ એક જ દિવસે આવા ત્રણ-ત્રણ કિસ્સાઓ અને ત્ર ણેય પત્ની પિડિત પતિઓના આવતાં એક સમયે આવા જ થીમ આધારીત એક રમૂજી ફિલ્મ આમદની અઠ્ન્ની….નો પ્લોટ યાદ આવી ગયો હતો અને આ પત્નીઓએ ક્યાંક આક્રમક પતિદેવોની શાન ઠેકાણે લાવવા વુમન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણનો છતાં આક્રમક રસ્તો લીધો હતો.
કિસ્સો એકઃ પતિને વેલણથી ફટકાર્યો
પહેલા કિસ્સામાં પાંડેસરા વિસ્તારમાં રહેતો પંચમ રાજપૂત (ઉં.વ. 25) મંગળવારે સવાર સિવિલમાં આવ્યો હતો. તેણે મેડિકો લીગલ કેસ કરાવી સારવાર લીધી હતી. તબીબ સમક્ષ પંચમે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને વેલણથી ફટકાર્યો હતો. જેના લીધે તેના જમણા હાથમાં અસહ્ય પીડા રહી છે. તેણે ફ્રેક્ચર થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
કિસ્સો બેઃ પતિનો કાન કરડી ખાધો
બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા સંદીપ ગૌતમ (ઉં.વ. 32)એ તબીબને કહ્યું હતું કે, મંગળવારે બપોરે ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેનો ડાબો કાન કરડી લેતા છૂટો પડતા 108-માં સારવાર માટે સિવિલમાં આવ્યો હતો.
કિસ્સો ત્રણ : પતિનું ગળું દબાવી આંગળી મચકોડી
અન્ય એક બનાવમાં વેડરોડ વિસ્તારમાં રહેતા ગણપત હંટ (ઉં.વ. 50)એ તબીબને જણાવ્યું હતું કે, મંગળવારે મળસકે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરમાં સૂતેલો હતો તે સમયે તેની પત્નીએ તેનું ગળું દબાવી જમણા હાથની આંગળ મચોડી કાઢી હતી. જેને લીધે તેને ગળા અને આંગળીઓમાં દુખાવો થતા સિવિલમાં આવવાની નોબત આવી હતી.


