- CMએ શહેરી વિકાસ વિભાગના પ્રિ-વાઇબ્રન્ટ સેમિનારમાં ગિફ્ટસિટીના પ્લાનનું અનાવરણ કર્યું
- ગિફ્ટસિટીનું સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા ડોમેસ્ટિક ટેરિફ એરિયા વધારે ડેવલપ કરવામાં આવશે
- રાજ્યમાં 2010થી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ થઈ જેના કારણે રાજ્યના શહેરો વિશ્વકક્ષાના બન્યાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે ‘ભવિષ્યના રહેવા લાયક શહેરો’ વિષય ઉપર દસમી વાઇબ્રન્ટ સમિટના પૂર્વાર્ધમાં યોજાયેલી પરિષદમાં ગિફ્ટસિટીના વિસ્તૃતીકરણના ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું, જેમાં અત્યારે ગિફ્ટસિટીનો કુલ એરિયા જે 370 હેક્ટર યાને 3.7 ચોરસ કિલોમીટર છે, તે આવનારા દિવસોમાં વધીને 1,390 હેક્ટર એટલે કે 14 ચોરસ કિલોમીટર થશે. સૌથી મહત્ત્વનું એ છે કે, ગિફ્ટસિટીનું સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા ડોમેસ્ટિક ટેરિફ એરિયા વધારે ડેવલપ કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન મુજબ ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી કિનારે આનંદ પ્રમોદ માટે રિવરફ્રન્ટ ડેવલપ થશે, ગિફ્ટસિટીમાં 8 લાખ લોકોને રહેવા માટે ભવિષ્યમાં ટાઉનશિપ વિકસાવાશે, 28 ટકા વિસ્તાર સ્ટ્રીટ નેટવર્ક તરીકે ડેવલપ થશે, જેમાં બધા રસ્તા 18 મીટરથી વધુ પહોળા રહેશે, જ્યારે 10 ટકા વિસ્તારમાં બાગ-બગીચા રહેશે અને પ્રત્યેક બગીચો 4 હેક્ટરથી મોટો રહેશે. પ્રગતિ અને પર્યાવરણ બેઉને સાથે રાખીને ટકાઉ વિકાસ સાધવો એ ભવિષ્યના શહેરો માટે આજના સમયની માગ છે. ગુજરાતે શહેરીકરણને પડકાર તરીકે નહીં તક તરીકે અપનાવ્યું છે. રાજ્યમાં 2010થી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ થઈ જેના કારણે રાજ્યના શહેરો વિશ્વકક્ષાના બન્યાં છે, ફ્યુચરિસ્ટિક વિઝનથી શહેરોમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે, એમ ઉલ્લેખી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પરિષદનો નિષ્કર્ષ રાજ્યના શહેરોને લિવેબલ અને લવેબલ બનાવવા ઉપયોગી થઈ પડશે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી કૌશલ કિશોરે શહેરોને આદર્શ તથા લિવેબલ બનાવવા માટે પાણી, આરોગ્ય શિક્ષણ, સ્વચ્છતા, પ્રદૂષણ ઘટાડવા વધુ વૃક્ષોના આચ્છાદાનને અનિવાર્ય બાબતો ગણાવી હતી.


