ત્રિદેવોએ દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને સતી અનસૂયાને ત્યાં માગશર સુદ પૂનમના દિવસે જન્મ લીધો હતો. તેમના જન્મ પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. દત્તાત્રેયે એક નહીં, પણ ચોવીસ ગુરુઓ કર્યા હતા. તેમણે શ્રીગણેશથી લઈને પરશુરામ સુધી અનેક લોકોને યોગ તથા અધ્યાત્મની શિક્ષા આપી હતી. તેમની સાથે જ્યોતિષશાસ્ત્રનું દત્ત તંત્ર, દત્તાત્રેય ઉપનિષદ વગેરે જોડાયેલાં છે
બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત કથા અનુસાર સતયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણ થતા તથા શ્રુતિઓના લુપ્તપ્રાપ્ય થવાને કારણે તથા વૈદિક ધર્મની પુન:સ્થાપનના હેતુથી ભગવાન શ્રીવિષ્ણુએ દત્તાત્રેય સ્વરૂપે માગશર સુદ પૂનમના દિવસે સતી અનસૂયાને ત્યાં જન્મ લીધો. એક સૌથી વધારે પ્રચલિત કથા અનુસાર નારદજીના મુખે મહાસતી અનસૂયાના સતીત્વની પ્રશંસા સાંભળીને ઉમા, રમા અને સરસ્વતીજીને ઈર્ષ્યા થઈ અને તેમણે પોતપોતાના પતિઓને અનસૂયાના પતિવ્રત અને સતીત્વની પરીક્ષા કરવા માટે મહર્ષિ અત્રિના આશ્રમમાં મોકલ્યા. ત્રણે સાધુ બનીને ભિક્ષા માંગી અને એક શરત મૂકી કે તો તેઓ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો જ તેઓ ભિક્ષા સ્વીકારશે. તેથી સતી શિરોમણી અનસૂયાએ પોતાના સતીત્વની અમોદ્ય શક્તિના પ્રભાવથી સાધુ વેશધારી ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)ને નવજાત બાળક બનાવીને વાત્સલ્યભાવે સ્તનપાન કરાવ્યું. ત્રણ દેવીઓ પોતાના પતિ પરત ન ફરતાં તેમને શોધવા માટે મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચ્યાં.
અવધૂત વિદ્યાના આદ્ય આચાર્ય ભગવાન દત્તાત્રેય અજગરમાંથી મેં એ શીખ લીધી
છે કે સ્વાદિષ્ટ-ફિક્કું એમ થોડું ઘણું જે કંઈ પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ
ત્રણ દેવીઓની ક્ષમાયાચના તથા પ્રાર્થના સાંભળીને બાળક બનેલા ત્રિદેવોને ફરીથી પોતાનું અસલી સ્વરૂપ પ્રદાન કર્યું. આ ત્રણે દેવોએ અત્રિ-અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પેદા થવાનું વરદાન આપ્યું. બ્રહ્માજીના અંશમાંથી રજોગુણ પ્રધાન સોમ (ચંદ્ર), શ્રીવિષ્ણુના અંશમાંથી સત્ત્વગુણ પ્રધાન દત્ત અને ભગવાન શંકરના અંશમાંથી તમોગુણ પ્રધાન ઋષિ દુર્વાસાના રૂપમાં માતા અનસૂયાના પુત્ર બનીને અવતાર ધારણ કર્યો. વિષ્ણુ દ્વારા અહં તુભ્યં મયા દત્ત કહીને અવતાર ધારણ કરવાને કારણે તથા અત્રિ મુનીના પુત્ર હોવાને કારણે આત્રેય અને દત્તના સંયોગથી દત્તાત્રેય નામકરણ થયું.
શ્રી દત્તાત્રેય યોગમાર્ગના પ્રવર્તક, અવધૂત વિદ્યાના આદ્ય આચાર્ય તથા શ્રી વિધાના પરમ આચાર્ય છે. તેમનો બીજમંત્ર દ્રાં છે. સિદ્ધાવસ્થામાં દેશ તથા કાળનું બંધન તેમની ગતિમાં બાધક બનતું નથી. તેમણે શ્રીગણેશ, કાર્તિકેય, યદુ, સાંકૃતિ, અલર્ક, પુરુરવા, આયુ, પરશુરામ તથા કાર્તવીર્યને યોગ તથા અધ્યાત્મની શિક્ષા આપી હતી. કર્ણાટકમાં કુરુગડ્ડી તથા મહારાષ્ટ્રમાં ઔદુમ્બર ક્ષેત્ર, નરસિંહવાડી, ગાણગાપુરમ, માહૂરગઢ સુપ્રસિદ્ધ દત્તતીર્થ છે. ગુજરાતસ્થિત ગિરનાર સિદ્ધપીઠ છે.
દત્તાત્રેયના ચોવીસ ગુરુ
એકવાર યદુ નામના રાજાએ એક અવધૂતને પોતાની મસ્તીમાં વિચરતાં જોઈને પૂછ્યું, `સંસારમાં બધા જ લોકો કામ અને લોભના અગ્નિમાં બળી રહ્યા છે, પરંતુ તમને જોઈને એવું લાગે છે કે આ અગ્નિ તમને કોઈ આંચ નથી પહોંચાડતો. એવું લાગે છે કે વનમાં આગ લાગી હોય ત્યારે કોઈ હાથી ગંગાજળમાં પહોંચી ગયો છે. આવું શા માટે?’
આ અવધૂત બીજું કોઈ નહીં પણ ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે કહ્યું, `મેં ઘણાં ગુરુ કર્યા છે. તેમનામાંથી શીખ લઈને હું આ રીતે મુક્ત બનીને વિચરું છું.’ તેમણે પોતાના 24 ગુરુઓ અને તેમનામાંથી મળેલી શીખ વિશે વાત કરી.
પૃથ્વી : પૃથ્વીમાંથી મેં ધીરજ રાખવાની અને ક્ષમા કરવાની શીખ લીધી છે. લોકો તેના પર કેટલો ઉત્પાત કરે છે. કોઈ પાયો ખોદે છે તો કોઈ કૂવો. કોઈ તેના પર પાવડો ચલાવે છે તો કોઈ કોદાળી. જ્યારે પૃથ્વી કોઈની સાથે બદલો લેતી નથી કે કોઈ જાતની ફરિયાદ પણ કરતી નથી. તે જ રીતે બુદ્ધિમાન વ્યક્તિએ ક્યારેય પોતાની ધીરજ ખોવી જોઈએ નહીં. જ્યારે સાધુએ પરોપકારી બનવાની શીખ લેવી જોઈએ.
વાયુ : વાયુ હંમેશા ચાલતો રહે છે. તે ફૂલ, કાંટા, પવિત્ર, અપવિત્ર બધાનો સમાન રીતે સ્પર્શ કરે છે. બધાને સમાન રીતે તાજગી છે અને જીવન બક્ષે છે. શરીરની અંદર રહેનારા પ્રાણવાયુમાંથી મેં શીખ લીધી છે કે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ. ઈન્દ્રિયોની બિનજરૂરી ઈચ્છાની પૂર્તિમાં પોતાનો શ્રમ વ્યર્થ ન કરવો.
આકાશ : આકાશમાંથી મેં એ શીખ લીધી છે કે અછૂતા રહેવું. પાણી વરસે, આગ લાગે, અન્ન પેદા થાય કે નષ્ટ થાય, વાદળાં આવે કે ચાલ્યાં જાય, આકાશને કોઈની સાથે કોઈ લગાવ નથી. કોઈપણ કાળ હોય, કોઈ મનુષ્ય જન્મે કે મૃત્યુ પામે, પરંતુ આત્મા તો અછૂતો જ હોય છે.
પાણી : પાણીમાંથી મને શીખવા મળ્યું છે કે તે જેટલું સ્વચ્છ, ચીકણું, મધુર અને પવિત્ર કરનાર છે તેટલાં જ પવિત્ર આપણે બનવું જોઈએ.
અગ્નિ : અગ્નિમાંથી મને શીખવા મળ્યું છે કે બધું જ પચાવી લેવું જોઈએ. આગ આડી-અવળી, લાંબા-પહોળા કે નાનાં-મોટાં લાકડામાં લાગી હોય ત્યારે તે લાકડાના સ્વરૂપ પ્રમાણે જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તે એવી નથી હોતી. તે જ રીતે બધામાં રહેલો આત્મા અનેક સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તો તે એક જ છે.
ચંદ્રમા : ચંદ્રમામાંથી મેં શીખ લીધી છે કે કલાઓના ઘટવા-વધવા પર પણ તેનું સ્વરૂપ તો એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે. જન્મથી લઈને મૃત્યુ સુધી શરીર વધે-ઘટે છે, પરંતુ તેની આત્મા પર કોઈ અસર થતી નથી.
સૂર્ય : સૂર્યમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈનામાં પણ આસક્ત ન થશો, જે લો એ પાણીની જેમ વરસાવી દો. જુદાં-જુદાં પાત્રોમાં સૂર્ય અલગ-અલગ દેખાય છે, પરંતુ તે એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે.
કબૂતર : કબૂતરમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈને પણ વધારે સ્નેહ ન કરવો જોઈએ, નહીંતર ઘણા કષ્ટ ભોગવવાં પડે છે. કબૂતરનું એક જોડું હતું. તેનાં ઘણા બચ્ચાં હતાં. એક દિવસ મા-બાપ બહાર હતાં ત્યારે શિકારીએ બચ્ચાંને જાળમાં ફસાવી લીધાં. માએ પાછા આવીને જોયું તો તે બહુ દુ:ખી થઈને પોતાનાં બચ્ચાંઓની સાથે જ તે જાળમાં જતી રહી, ત્યારબાદ બાપ પણ તે જ જાળમાં જતો રહ્યો. છેલ્લે શિકારી બધાને બાંધીને પોતાની સાથે લઈ ગયો.
અજગર : અજગરમાંથી મેં એ શીખ લીધી છે કે સ્વાદિષ્ટ-ફિક્કું એમ થોડું ઘણું જે કંઈ પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ.
સમુદ્ર : સમુદ્રમાંથી મેં શીખ લીધી છે કે હંમેશાં પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ, ભલે પછી ભરતી આવે કે ઓટ આવે.
પતંગિયું : પતંગિયામાંથી શીખ લીધી છે કે રૂપના મોહમાં પડીને ક્યારેય આગમાં કૂદવું જોઈએ નહીં.
ભમરો : ભમરામાંથી મેં શીખ લીધી છે કે સારું જ્યાં પણ મળે લઈ લો.
હાથી : હાથીમાંથી મને એ શીખ મળી છે કે પોતાની ભાવનાઓ અને ઇચ્છાઓથી હંમેશાં સજાગ રહેવું જોઈએ, નહીંતર તેને કારણે આ સાંસારિક આકર્ષણ ઈન્દ્રિયોને બેકાબૂ કરી દે છે અને બળવાન હોવા છતાં મન તેમની જાળમાં ફસાઈને નિર્બળ બની જાય છે.
મધુહારી : મધુહારી (મદ્યનો સંગ્રહ કરનારી)માંથી મેં એ શીખ લીધો છે કે કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં.
હરણ : હરણમાંથી મેં એ શીખી લીધી છે કે સંગીતનાં નાચ-ગાનના બંધનમાં ક્યારેય ન ફસાવું જોઈએ.
માછલી : માછલીમાંથી મેં શીખ લીધી છે કે જીભના સ્વાદમાં ક્યારેય ન પડવું જોઈએ. માછલી કાંટામાં ફસાયેલા માંસના ટુકડાના મોહમાં ફસાઈને પોતાના પ્રાણ ગુમાવે છે. આ જ સ્થિતિ સ્વાદના લોભી પુરુષોની થાય છે. તેથી જેણે જીભને જીતી લીધી છે તેણે બધી જ ઈન્દ્રિયો પણ જીતી લીધી છે.
પિંગળા વેશ્યા : પિંગળા નામની વેશ્યામાંથી મેં શીખ લીધી છે કે ધનની ઈચ્છા ક્યારેય રાખવી જોઈએ નહીં. દુનિયામાં જે પણ અને જેટલું પણ મળે છે, તે હંમેશાં ઓછું પડે છે. મનુષ્યને ક્યારેય સંતુષ્ટિ થતી નથી તેથી મનુષ્યોએ સાંસારિક વસ્તુઓની ઇચ્છા ત્યાગીને માત્ર પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરતા આત્મ-સન્માનની સાથે આત્મચિંતન કરવું જોઈએ.
ગીધ : ગીધમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને કારણે બહુ દુ:ખ ભોગવવું પડે છે. એકવાર ગીદ્ય પક્ષીને માંસનો એક ટુકડો મળી ગયો. તે ટુકડાને પોતાની ચાંચમાં દબાવીને જઈ રહ્યો હતો. બીજા પક્ષીઓ તેને જોઈ ગયાં અને તેના પર ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યાં. છેવટે લાચાર બનીને તેણે માંસનો ટુકડો ફેંકી દીધો. જેથી તેની બધી જ ઝંઝટ દૂર થઈ.
બાળક : બાળકમાંથી મેં એ શીખ લીધી છે કે આપણે હંમેશાં નિશ્ચિંત અને આનંદમાં મગ્ન રહેવું જોઈએ.
કુંવારી કન્યા : કુંવારી કન્યામાંથી મને એ શીખ મળી છે કે ઘણા લોકોના સાથે રહેવાથી તેમની સાથે લડાઈ-ઝઘડો થાય છે, તેથી એકલાં જ રહેવું જોઈએ કે વિચરણ કરવું જોઈએ. કુંવારી કન્યા ધાન કૂટી રહી હતી. તે કૂટતી વખતે તેની બંગડીઓ પરસ્પર ટક્કરાઈને અવાજ કરતી હતી. તેણે એક, બે, ત્રણ એમ વારાફરતી બંગડીઓ ઉતારી દીધી છતાં અવાજ બંધ ન થતાં તેણે બંને હાથમાં માત્ર એક-એક બંગડી જ રાખી. જેથી અવાજ બંધ થઈ ગયો.
બાણ બનાવનાર : એક વાર બાણ બનાવનાર કારીગર બાણ બનાવી રહ્યો હતો. તેની પાસેથી વાજાં વાગતાં-વાગતાં એક જાન નીકળી ગઈ છતાં પણ તેને તેની ખબર ન પડી. તેનામાંથી મને એ શીખવા મળ્યું છે કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશમાં કરી લો, પણ તેને જ લક્ષ્ય બનાવી દો.
સાપ : સાપમાંથી મેં એ શીખ લીધી છે કે તેની જેમ એકલાં જ વિચરણ કરો, ક્યાંય કાયમી ઘર ન બનાવશો.
કરોળિયો : કરોળિયામાંથી મેં એ શીખ લીધી છે કે મનુષ્ય આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે અને જન્મ-મૃત્યુના બંધનમાંથી બહાર નીકળી શક્તો નથી.
ભૃંગી કીટ : ભૃંગી કીટમાંથી મેં એ શીખ લીધી છે કે સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી જાણી જોઈને મનને એકાગ્ર કરવામાં લગાવી દો તો તે તદ્રુપ થઈ જાય છે. આ સિવાય વૈરાગ્ય અને વિવેકની શિક્ષા આપવાને કારણે તેમને શરીરને પણ ગુરુ માન્યું છે.