શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાય(15/1)માં ભગવાન કહે છે કે
ઊર્ધ્વમૂલમધઃ શાખમશ્ર્વત્થં પ્રાહુરવ્યયમ્
છંદાસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્.
ઉપરની બાજુએ મૂળવાળા અને નીચેની બાજુએ શાખાઓવાળા સંસારરૂપી પીપળા(અશ્વત્થ)ના વૃક્ષને અવિનાશી કહે છે અને વેદો જેનાં પાંદડાં છે તે સંસારવૃક્ષને જે જાણે છે તે તમામ વેદોને જાણવાવાળો છે. `અશ્વત્થ’ના બે અર્થ થાય છે. અ+શ્વ+ત્થ. અ = નહીં, શ્વ = ક્ષણ અને ત્થ = રહેવાવાળું. એટલે જે આવતી ક્ષણ સુધી પણ ટકી રહેનાર નથી. કાલ સુધી જે રહે કે ન રહે એવા અનિત્ય સંસારમાં મનુષ્યોની સ્થિતિ સ્થાયી કેવી રીતે હોઇ શકે? પાંદડાં તુલ્ય ચંચલ શરીરમાં પ્રભુનો જ સનાતન અંશ જીવાત્મા નિવાસ કરે છે. ફક્ત પરિવર્તનના સમૂહનું નામ જ સંસાર છે. પરિવર્તનનું જે નવું રૂપ સામે આવે છે તેને ઉત્પત્તિ કહે છે. થોડું વધારે પરિવર્તન થતાં તેને સ્થિતિરૂપે માની લે છે અને જ્યારે એ સ્થિતિનું રૂપ પણ પરિવર્તિત થઇ જાય છે ત્યારે તેને સમાપ્તિ (પ્રલય) કહે છે. વાસ્તવમાં તેની ઉત્પત્તિ-સ્થિતિ અને પ્રલય હોતાં જ નથી એટલા માટે તેમાં પ્રતિક્ષણ પરિવર્તન થવાના કારણે આ સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી. દૃશ્યમાત્ર પ્રતિક્ષણે અદર્શનમાં જઇ રહ્યું છે. જે સંસારવૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે? તે બતાવતાં ભગવાન શ્રીમદ ભગવદ્ગીતા(15/3)માં કહે છે કે,
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે
નાન્તો ન ચાદિર્ન ચ સંમ્પ્રતિષ્ઠા
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ્
અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા.
આ સંસારવૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી આદિ કે નથી અંત. તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહં, મમતા અને વાસના રૂપી અત્યંત દૃઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દૃઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપો. ગીતાનો પંદરમો અધ્યાય ગીતાજીનું મસ્તિષ્ક છે. આ અધ્યાયમાં દાર્શનિક બાબતે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જો આ એક જ અધ્યાયને જિજ્ઞાસુ સારી રીતે સમજે તો ઘણી ગૂંચો દૂર થઈ શકે તેમ છે. આ વૃક્ષનું સાચું રૂપ અહીં ઉપલબ્ધ થતું નથી, કારણ કે તેનો આદિ અને અંત દેખાતો નથી. તેનો પાયો પણ દેખાતો નથી એવું આ અશ્વત્થ નામનું વૃક્ષ જેનાં મૂળ બહુ જ દૃઢ, મજબૂત છે. જો તેને કાપી નાખવું હોય તો અસંગ-અનાસક્તિ નામના એક જ શસ્ત્રથી કાપી શકાય છે.
આ વૃક્ષની શરૂઆત નથી. તે વિસ્તરી રહ્યું છે અને વિસ્તરતું ચાલ્યું આવે છે. જેને એવું લાગે કે આ વૃક્ષ ઉપર હવે રહેવું નથી. હવે આમાંથી છૂટવું છે, કારણ કે આ વૃક્ષ ઉપર સુખ-દુ:ખના દ્વન્દ્વ રહેલા છે. તેમાંથી છૂટવું છે તેનો ઉપાય બતાવે છે. અસંગ નામના શસ્ત્રથી આ વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખવાનું. અસંગ એટલે અનાસક્તિ, નિર્મોહીભાવ. આ વૃક્ષને પકડી રાખનારું તત્ત્વ મોહ-આસક્તિ છે. તે ન હોય તો આ વૃક્ષ નથી અર્થાત્ કપાઈ જાય. અસંગ કોની સાથે કરવાનો? જેના સંગથી મોહ ઊપજે, બંધન દૃઢ થાય તે બધી વસ્તુઓ પ્રત્યે અસંગ રાખવાનો. અસંગ એક શસ્ત્ર છે તેના દ્વારા આ અશ્વત્થ વૃક્ષને કાપી નાંખીને પછી પરમેશ્વરના ધામની શોધમાં નીકળી પડવાનું.