-દેશી દારૂની કોથળીઓ અને શૌચાલય તરીકે વોક-વેનો ઉપયોગ કરતા આવારા તત્વો
રાજકોટ શહેરના ધમધમતા વિસ્તાર રેસકોર્સ પાસે આમ્રપાલી અંડર બનાવવામાં આવ્યો હતો. જેમાં રાહદારીઓની સુવિધા માટે રાજકોટનો પ્રથમ અંડર ગ્રાઉન્ડ વોકવે તૈયાર કરાયો હતો. પરંતુ અત્યારે આ અંડર ગ્રાઉન્ડ વોક-વેની દયનિય હાલત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મુખ્ય વિસ્તાર રેસકોર્ષ અને રૈયા રોડને જોડતા અંડર બ્રિજની સાથે ચાલીને રસ્તો પસાર કરવામાં સરળતા રહે તે માટે અંડર ગ્રાઉન્ડ વોક-વે બનાવામાં આવ્યો હતો. આ અંડર ગ્રાઉન્ડ વોક-વેની સ્થિતી હાલ ખૂબ જ કફોડી બની છે. અહીં આવારા તત્વો રાત્રી દરમિયાન અવાર-નવાર દારૂનું સેવન કરતા હોય છે ઉપરાંત ઘણાં લોકો આ વોક-વેનો શૌચાલય તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યારે સામાન્ય લોકોને અહીં પસાર થવું ખૂબજ મૂશ્કેલ પડે છે. અને દેશી દારૂની કોથળીઓનો પણ પડી હોય છે. આ વોક-વેમાંથી પસાર થતી વખતે લોકોને અત્યંત ખરાબ દુર્ગંધ સહેવી પડે છે.
લાખો-કરોડોના ખર્ચે બનેલા અંડર ગ્રાઉન્ડ વોક-વોની આવી હાલત મનપા સામે સવાલો ઉભા કરે છે અને ધમધમતા વિસ્તારમાં બ્રિજના વોક-વેમાં પડેલી દારૂની કોથળીઓ લોકોની અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે. મનપા લાખોના ખર્ચે ઘણા બધા લોકાર્પણ કરે છે પણ ક્યાંકને ક્યાંક શહેરના શૌચાલય અને અંડર બ્રિજને સ્વચ્છ રાખવામાં કાચી પડી રહી છે.શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, વિરાણી ચોક, ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ અને અન્ય જગ્યાએ આવેલા શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.