- નગરપાલિકાની કમિટીઓ પૂર્વે રાજકીય રંગ : સોજીત્રા નગરપાલિકા સુપરસીડ કરાશે
- શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને શો-કોઝ નોટિસ પાઠવી
- તા.16 નવેમ્બર સુધીમાં લેખિત જવાબ રજૂ કરવા તાકીદ કરાઈ
સોજીત્રા નગરપાલિકાની આગામી તા.7મીએે યોજાનાર સામાન્ય સભામાં કમિટીઓની રચના હાથ ધરાય તે પૂર્વે શહેરી વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ દ્વારા પાલિકા ફરજો નિભાવવામા નિષ્ફળ ગઇ હોવા ઉપરાંત સત્તાનો દુરપયોગ કરાયાના મુદ્દે સુપરસીડ કરવા કારણદર્શક નોટિસ ઇસ્યુ કરીને 16 નવેમ્બર 2023 સુધીમાં પાલિકાને જવાબ રજુ કરવા તાકીદ કરતા પાલિકાનુ રાજકારણ ગરમાયુ છે.
સોજીત્રા નગરપાલિકામાં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી તા.14મી સપ્ટેમ્બરના રોજ સત્તા કબ્જે કરી છે. પરંતુ કમિટીની રચના પૂર્વે જ બળવાખોરો અને કોંગ્રેસના હોદ્દેદારો વચ્ચે મલાઇદાર કમિટીઓને લઇને ગજગ્રાહ સર્જાયો છે. ત્યાંજ શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને ગેરવહીવટ અને પ્રાથમિક ફરજો નિષ્ફળ ગઇ હોવાના કારણે સુપરસીડ કરવા માટે કારણદર્શક નોટીસ ઇસ્યુ કરી છે. જેમાં 30મી માર્ચ 2021ની સામાન્ય સભામા ઠરાવ નં. 2મા ગેરકાયદેસર રીતે કમિટીઓની રચના કરવી, સરકારી નાણાંનો ઉપયોગ ખાનગી જગ્યામા ખર્ચેલ છે. એપ્રિલ 2021, ઓક્ટોબર તેમજ વર્ષ 2022 જાન્યુઆરી, એપ્રિલ, ઓક્ટોબર અને વર્ષ 2023માં જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓક્ટોબર માસમાં ફરજિયાત સામાન્ય સભા બોલાવી ન હતી. કારોબારી કમિટીનો નિર્ણય નગરપાલિકામાં મહત્વનો હોવા છતાં ટેન્ડરોની સ્વીકૃત્તિ કે અસ્વીકૃત્તિ અંગે પણ નિર્ણય લેવાયો નથી. સત્તાનો દુરૂપયોગ કરીને કોઇપણ વ્યાજબી કારણ દર્શાવ્યા કે નોધ્યા સિવાય પાલિકાને નાણાંકીય અને વહીવટી ગુંચમા મુકીને નગરજનોના હિતને જનપ્રતિનીધિઓ દ્વારા ગંભીર નુકસાન પહોંચાડયુ સહિતના મુદ્દે શહેરી વિકાસ અને ગૃહનિમાણ વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાના પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારતા હલચલ મચી છે.


