- ઉ.ભારતમાં ભારે વરસાદ, વાવાઝોડાનો ખતરો
- ઉત્તર ભારતનાં રાજ્યોમાં 60, પૂર્વોત્તરનાં રાજ્યોમાં 72 કલાક સુધી અસર રહેશે
- અચાનક બદલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં પલટો
છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પશ્ચિમ હિમાલિયન ક્ષેત્રમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા જળવાઇ હતી. સોમવારે તેમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ફરીવાર હવામાન મુદ્દે નવું અપડેટ સામે આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી કેટલાક કલાકો દરમિયાન ફરીવાર આ ક્ષેત્રના હવામાનમાં ભારે પલટો જોવા મળશે. હવામાન વિભાગના અનુસાર છેલ્લા 40 દિવસમાં પાંચમી વાર આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડયા બાદ ફરીવાર તેની સક્રિયતા વધી રહી છે. અનુમાન અનુસાર આગામી 60 કલાકની અંદર ઉત્તર ભારતના રાજ્યોમાં ફરીવાર જોરદાર વાવાઝોડું અને ભારે વરસાદ સહિત હિમવર્ષા થવાની છે. આઇએમડીના અનુસાર 29 ફેબ્રુઆરીએ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોમવારે સાંજ સુધીમાં નબળું પડયું હતું પરંતુ અચાનક જ બદલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફરીવાર મંગળવારે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો. ઉત્તરપ્રદેશ અને આસપાસનાં રાજ્યોમાં સમુદ્રના પેટાળથી દોઢ કિલોમીટર ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના કારણે હવામાનમાં ફરીવાર મોટું પરિવર્તન જોવા મળી શકે છે. તે સિવાય જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને તેના મેદાન વિસ્તારોમાં પણ હવામાનમાં પરિવર્તનનું અનુમાન લગાવાયું હતું. આગામી 60 કલાક સુધી આ વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો જોવા મળી શકે છે.
ઉત્તરનાં પહાડી રાજ્યોમાં વરસાદ-હિમવર્ષા યથાવત્
હવામાન વિજ્ઞાનીઓના અનુસાર 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ થયો છે. જે વિગત બે દિવસની સરખામણીમાં થોડો ઘટયો છે. તે ઉપરાંત મેદાન પ્રદેશમાં પણ હવામાનમાં પરિવર્તન જોવા મળ્યું છે. હવામાન વિભાગના અનુસાર આગામી કેટલાક કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્વ મધ્યપ્રદેશથી તામિલનાડુ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી લઇને સમગ્ર પૂર્વોત્તરમાં અનુભવાઇ શકે છે. અહીં વરસાદ અને કરાવૃષ્ટી થવાની સંભાવના છે.
2024માં પણ ગરમી કાળો કેર વરસાવશે
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને અલ-નીનો મુદ્દે નવું અપડેટ ઇશ્યૂ કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના અનુસાર અલ-નીનોને કારણે 2024માં પણ ગરમીમાં વધારો યથાવત રહેશે. એજન્સીએ વધુમાં કહ્યું હતું કે, 2023-24માં અલ નીનો રેકોર્ડ પર પાંચ સૌથી મોટી આફતો પૈકીની એકના રૂપમાં પરાકાષ્ઠાએ પહોંચી ગઇ છે. વિશ્વ હવામાન સંગઠને અલ નીનોના પ્રભાવ સ્વરુપ માર્ચ અને મે મહિના વચ્ચે લગભગ તમામ ક્ષેત્રોમાં સામાન્ય કરતા વધારે તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતું. 2023 પણ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.
માર્ચથી મે વચ્ચે અલનીનો જળવાઇ રહેવાની 60 ટકા સંભાવના
એજ્નસીએ પોતાના નવા અપડેટમાં કહ્યું હતું કે માર્ચથી માંડીને મે મહિના સુધી અલ નીનો જળવાઇ રહેવાની સંભાવના લગભગ 60 ટકા છે. જ્યારે એપ્રિલથી જૂન વચ્ચે તટસ્થ સ્થિતિઓની 80 ટકા સંભાવના છે. ડબલ્યૂએમઓના અનુસાર વર્ષના અંતમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે પરંતુ હાલ તેમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. ભારતના સંદર્ભમાં એજન્સીએ કહ્યું હતું કે, જૂનથી ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ સર્જાવાનો અર્થ એમ થાય છે કે આ વખતે શક્ય છે કે ભારતમાં 2023ની તુલનામાં ચોમાસું વરસાદ સારો પડશે.


