- ચક્રવાત મિચોંગ લેન્ડ ફોલ થવાનું શરૂ
- બાપતલામાં ભારે પવન સાથે વરસાદ
- NDRFની ટીમ છે ખડે પગે
બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ ગયુ છે. બાપતલામાં મોટી લેન્ડફોલની અસર જોવા મળી રહી છે. દરિયો તોફાની બન્યો છે. આ ઉપરાંત 90 થી 100 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઇ રહ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ચક્રવાતને લઇને હવામાન વિભાગનું શું કહેવુ છે આવો જાણીએ.
હવામાન વિભાગનું શું છે કહેવું ?
IMD ભુવનેશ્વરના પ્રભારી HR બિસ્વાસે આ અંગે જણાવ્યું કે હાલમાં પવનની ઝડપ 90-100 kmph છે. આગામી થોડા કલાકોમાં કે બે કલાકમાં જ ચક્રવાત નબળું પડવાની ધારણા છે. ચક્રવાતને પગલે 3 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડિશામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માછલીપટનમ અને નેલ્લોર વિસ્તારમાં ત્રાટકતા વાવાઝોડાને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે એકવાર આ વાવાઝોડું જમીન સાથે અથડાશે તો તેની ગતિ ધીમી પડી શકે છે. આ તોફાનના કારણે ચેન્નાઈમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
બાપતલામાં ફૂંકાયો પવન
આંધ્રપ્રદેશના બાપતલાથી દરિયાકિનારાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે કેટલી તીવ્ર ઝડપે પવન ફૂંકાયો છે. સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે.
લોકો ઘરમાં જ રહે
બાપતલા બીચ ખાતે હાલ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.તેઓએ ગ્રામજનોને અપીલ કરી હતી કે લોકો ઘરની બહાર ન નીકળશે. હોર્ડિંગ પડી ભાંગે તથા કાચા મકાનો પણ પડી જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. હાલ 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે.અને પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સજ્જ હોવાનું જણાવ્યું હતું.
ચેન્નાઇમાં કેડસમા પાણી ભરાયા
ચેન્નાઈના પશ્ચિમ તાંબરમના ડૂબી ગયેલા કૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. આપ જોઇ શકો છો આ દ્રશ્યોમાં બોટ દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને સ્વયંસેવકો દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે.


