- પાણીની પાલિકાએ સમસ્યા નહીં ઉકેલતા મહિલાઓ કલેક્ટરને રજૂઆત કરવા ગઇ હતી
- પોલીસ સ્ટેશન મોકલેલી મહિલાઓને માનવતા દાખવી એસ.પી.ની સુચનાથી જવા દેવાઇ
- શહેરના 80 ફૂટ રોડના સાસ્વતનગર-2 વિસ્તારમાં છેલ્લા વીસેક દિવસથી ગટરનું ભળેલુ હોય એવુ ગંદુ પાણી આવતુ હતુ
સુરેન્દ્રનગર નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય એમ ઠેર ઠેર ગટર, પાણીની સમસ્યાથી લોકો પીડાઇ રહયા છે.
શહેરના 80 ફૂટ રોડના સાસ્વતનગર-2 વિસ્તારમાં છેલ્લા વીસેક દિવસથી ગટરનું ભળેલુ હોય એવુ ગંદુ પાણી આવતુ હતુ.ત્યારે હાલ નવી લાઇન નંખાયા બાદ તો મીશ્રીત પાણી આવતુ પણ બંધ થઇ ગયુ હતુ.જેના કારણે આ વિસ્તારની મહિલાઓ કંટાળીને સુરેન્દ્રનગર નગરપાલીકાએ રજૂઆત કરવા માટે ગઇ હતી પરંતુ પાલીકાએ યોગ્ય જવાબ ન મળતા કોઇએ કલેકટર પાસે રજૂઆત કરો તો ઉકેલ આવશે એવુ જણાવતા મહિલાઓ કલેકટરને રજૂઆત કરવા પહોચી હતી.કલેકટર પાસે 15 જેટલી મહિલાઓ એક સાથે જઇ પાણીની ઉગ્ર રજૂઆત કરતા કલેકટર કે.સી.સપંટે તાત્કાલીક પોલીસ બોલાવી આ મહિલાઓને પોલીસ કાર્યવાહી કરવા જણાવતા એ.ડીવીઝન પોલીસ સ્ટેશન મહિલાઓને લઇ જવાઇ હતી. બીજી તરફ કલેકટરે ચીફ ઓફિસરને મહિલાઓની રજૂઆતનો નિકાલ કરવા જણાવ્યુ હતુ.બીજી તરફ પોલીસે મહિલાઓને જણાવ્યુ કે હાલ જાહેરનામુ હોવાથી એક સાથે ટોળાને રજૂઆત કરવા ના જવાય જેના જવાબમાં મહિલાઓએ જણાવ્યુ કે અમોને આવા જાહેરનામાની કાઇ ખબર જ ન હતી અમે તો પાણી ન આવતુ હોવાથી પાલીકાથી કંટાળીને કલેકટર પાસે ન્યાય માટે ગયા હતા અમને શું ખબર કે અમને આવી રીતે પોલીસ સ્ટેશન બતાવશે ? ત્યાર બાદ મહિલાઓ જાહેરાનામથી અજાણ હોવાનું માની માનવતા દાખવી પોલીસ સ્ટેશને કલેકટર ઓફીસથી મોકલેલી મહિલાઓને જવા દેવા માટે એસ.પી.ગીરીશ પંડયાએ આદેશ આપતા મહિલાઓને જવા દેવાઇ હતી.
મહિલાઓ કલેકટર ઓફિસ જતા ડરશે
80 ફૂટ રોડની મહિલાઓ પાણીની સમસ્યા લઇ નગરપાલિકા ગયા બાદ કોઇએ કલેકટરને રજૂઆત કરો તો તુરંત ઉકેલ આવશે એવી વાત કરતા મહિલાઓ કલેકટરને રજૂઆત કરવા જતા કલેકટરે મહિલાઓનું ટોળુ જોઇ જાહેરનામાના બહાને તાત્કાલીક પોલીસ બોલાવી મહિલાઓને પોલીસ હવાલે કરી દીધી હતી આ વાત વાયુવેગે ફેલાતા લોકોએ રોષ વ્યકત કર્યો હતો અને કલેકટર ખુદ આવી કાર્યવાહી કરાવે તો મહિલાઓ કલેકટર પાસે રજૂઆત કરવા જતા ડરશે ?


