- છ ટીમોના દેશ-વિદેશના 48 રેસર્સ રવિવારે સાંજે રેસ ટ્રેકને ગજાવશે
- 85થી લઈને 450 સીસીના બાઇક્સ રહેશે, હરાજી દ્વારા રેસર્સને ખરીદવામાં આવ્યા
- થાઇલેન્ડ અને ફિનલેન્ડના કેટલાક બાઇકર્સ દિલધડક પ્રોગ્રામ આપશે
ગુજરાત ખાસ કરીને અમદાવાદ હવે વિવિધ રમતો માટેનું હબ બની ગયું છે. આગામી રવિવારે 11મી ફેબ્રુઆરીએ ટ્રાન્સ સ્ટેડિયા ખાતે પ્રથમ સિએટ ઇન્ડિયન સુપર ક્રોસ રેસિંગ લીગની પ્રથમ સિઝનનો બીજો તબક્કો યોજાશે. પૂણે ખાતે રેસનો પ્રથમ તબક્કો યોજાયો હતો. આ ફ્રેન્ચાઇઝી બેઝ રેસિંગ લીગ માટે જાન્યુઆરીમાં રેસર્સની હરાજી થઈ હતી અને તેમાં અમેરિકા, ઇટાલી, જાપાન સહિત વિવિધ દેશના ઇન્ટરનેશનલ ચેમ્પિયન રાઇડર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સીએટ ISRLની છ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ 48 રાઇડર્સને તેમને ઇન્ટરનેશનલ સ્તરે મેળવેલા પોઇન્ટ્સ, છેલ્લા કેટલાક સમયના પ્રદર્શન સહિત વિવિધ બાબતોનું ધ્યાન રાખીને ખરીદી કરી હતી. ભારતમાં પ્રથમ વખત યોજાયેલી સુપર ક્રોસ રેસિંગનું પ્રથમ વખત લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને પૂરી ઇવેન્ટ દરમિયાન લગભગ 20 હજાર સમર્થકો હાજર રહે તેવી સંભાવના છે.
મોટર રેસર કેટેગરી કઈ રહેશે
એશિયા-ઇન્ડિયાની મિક્સ કેટેગરીમાં 85 સીસીના બાઇક રહેશે. આ ઉપરાંત 250 તથા 450 સીસીની ઇન્ટરનેશનલ કેટેગરી રહેશે. પ્રત્યેક ટીમમાં આઠ રાઇડર્સ રહેશે. સ્ટેડિયમના આકાર મુજબ રાઉન્ડ નક્કી કરાશે. અમદાવાદ ખાતેના તબક્કામાં સંભવિત 12 રાઉન્ડ રહેશે. પ્રત્યેક ગ્રૂપનો એક-એક રેસરે લગભગ આઠ મિનિટમાં તમામ 12 રાઉન્ડ પૂરા કરવાના રહેતા હોય છે. તમામ વિજેતાઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
છ ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે
સુપર ક્રોસ રેસિંગમાં ભાગ લેનાર છ ફ્રેન્ચાઇઝી ટીમોમાં બીબી રેસિંગ, એસજી સ્પીડ રેસર્સ, ગુજરાત ટ્રેઇલબ્લેઝર, બિગ રોક મોટરસ્પોર્ટ્સ, મોહિતે રેસિંગ તથા રેઇસ મોટરસ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. ભારત તથા વિદેશના રેસર્સ શનિવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. પ્રથમ સિઝનનો ત્રીજો તબક્કો દિલ્હીમાં યોજાશે અને છ મહિના બાદ યોજાનારી બીજી સિઝનને ચારથી છ સિટીમાં યોજવામાં આવે તેવી યોજના છે.
પાંચ દિવસમાં રેસ ટ્રેક તૈયાર થઈ જશે
આઠ વર્ષનો રેસિંગ અનુભવ તથા બે વખતના નેશનલ સુપરક્રોસ ચેમ્પિયન લિલેરિયા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર વીર પટેલે ઇવેન્ટ અંગે માહિતી આપીને જણાવ્યું હતું કે પૂરા રેસ ટ્રેકને તૈયાર કરવા માટે પાંચ દિવસનો સમય લાગે છે. તમામ રેસર્સને ઇન્ટરનેશનલ સ્તરના ટ્રેકનો અનુભવ થાય તેની પૂરી કાળજી રાખવામાં આવી છે. ટ્રેક તૈયાર કરવા માટે ઓસ્ટ્રેલિયા અને જર્મનીથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.


