- હિમાચલના બીર બિલિંગમાં ટ્રેકિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના
- ટ્રેકિંગ દરમિયાન અચાનક હવામાન પલટાતાં ઢોળાવમાં લપસી પડતાં બંનેનાં મૃત્યુ
- અધિકારીઓએ કહ્યું કે પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું કારણ જાણી શકાશે
હિમાચલપ્રદેશના બીર બિલિંગમાં ટ્રેકિંગ દરમિયાન એક યુવક અને યુવતીનું મૃત્યુ થઇ ગયું. બંનેના મૃતદેહો બે દિવસ પછી મંગળવારે મળી આવ્યા હતા. તે વખતે ટ્રેકર્સ સાથે ગયેલો જર્ન શેફર્ડ પાળેલો શ્વાન 48 કલાક સુધી બંનેના મૃતદેહોની ચોકી કરતો રહ્યો અને જોરજોરથી ભસતો રહ્યો. મૃત ટ્રેકર્સની ઓળખ પંજાબના પઠાણકોટના 30 વર્ષના અભિનંદન ગુપ્તા અને પૂણેની 26 વર્ષની પ્રણિતા વાલાના રૂપમાં થઇ હતી. જોકે અધિકારીઓએ કહ્યું કે પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું કારણ જાણી શકાશે.
હિમાચલપ્રદેશમાં 5000 ફૂટની ઊંચાઇએ આવેલું બીર બિલિંગ ટ્રેકિંગ માટે જાણીતું છે. આ સ્થાને પેરાગ્લાઇડિંગ પણ થાય છે. કાંગડા જિલ્લાના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અભિનંદન ગુપ્તા પેરાગ્લાઇડિંગ અને ટ્રેકિંગ પ્રવૃત્તિ માટે છેલ્લા ચાર વર્ષથી વિસ્તારમાં વસતા હતા. મહિલા થોડા દિવસ પહેલાં પૂણેથી આવી હતી. તે બરફવર્ષા વચ્ચે બહાર નીકળી હતી. આરંભિક તપાસમાં સામે આવ્યું છે કે ચાર લોકોનું એક જૂથ કારમાં નીકળ્યું હતું. તે જૂથમાં બે મહિલા હતી. એક સ્થાન પછી કાર માટે આગળ વધવું સંભવ નહોતું. ચારેય લોકોએ પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું. હવામાને પલટો લેતાં બે વ્યક્તિ પાછા ફર્યા અને ત્યાં હાજર અન્ય લોકોની મદદથી સુરક્ષિત પાછા ફર્યા. કહેવાય છે કે અભિનંદન ગુપ્તાએ કહ્યું કે તેમને રસ્તો ખબર છે. તેઓ પ્રણિતા અને શ્વાન સાથે આગળ વધતા રહ્યા. અભિનંદન અને પ્રણિતા લાંબા સમય સુધી પાછા ના ફરતાં જૂથના અન્ય લોકોએ તેઓ લાપતા હોવાની ફરિયાદ નોંધાવી. તપાસ કરતાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે બરફવર્ષામાં ઢોળાવ ખૂબ જ લપસણો થઇ જતો હોય છે. બંને લપસી પડતાં મોતને ભેટયા હતા. જર્મન શેફર્ડ શ્વાન નજીક ભસતો રહ્યો. પોસ્ટમોર્ટમ પછી બંનેના મૃતદેહોને કુટુંબીજનોને સોંપી દેવામાં આવશે.


