- દાદી બાળકને તેડી મંદિર જતા હતા ત્યારે હાથમાંથી ઝૂંટવી યુવક ભાગ્યો હતો
- આરોપી મૂળ મધ્યપ્રદેશનો, દારૂ પીને કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં ખૂલ્યું
- ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ
નારણપુરામાં રહેતાં વુદ્ધા 1.7 વર્ષીય પૌત્રને લઈને મંદિરે જતા હતા ત્યારે દારૂ પીધેલા એક યુવકે વુદ્ધાના હાથમાંથી બાળક ઝૂંટવીને નાસી ગયો હતો. જોકે આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને પકડીને બાળક વુદ્ધાને સોંપ્યું હતું. આ અંગે વુદ્ધાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પ્રોહિબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
નારણપુરામાં રહેતા 64 વર્ષીય વુદ્ધા તેમના પૌત્રને લઇને ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે ચાલતાં ચાલતાં જતાં હતાં. આ દરમિયાન એક યુવક આવીને વુદ્ધાના હાથમાંથી 1.7 વર્ષના બાળકને ઝૂંટવીને ત્યાંથી ભાગ્યો હતો. જોકે, વુદ્ધાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જઈને યુવકને પકડી પાડીને બાળકને સહીસલામત રીતે છોડાવીને વુદ્ધાને સોંપ્યુ હતું. ત્યારબાદ પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવતા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી મૂળ મધ્ય પ્રદેશનો છે અને તેનુ નામ મંજુ ઉઇકે છે. વુદ્ધાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી મંજુ ઉઇકે વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.


