– બંને પક્ષો ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં તેમના મતભેદોને ઉકેલવામાં સક્ષમ નથી
Updated: Oct 20th, 2023
નવી દિલ્હી : ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત વેપાર કરાર (ભારત-બ્રિટન એફટીએ) પર આ મહિનાના અંત સુધીમાં હસ્તાક્ષર થશે તેવી આશા ઓછી છે. એક અહેવાલ અનુસાર, બંને પક્ષો હજુ સુધી માર્કેટ એન્ટ્રીના મુદ્દાઓ પર, ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં તેમના મતભેદોને ઉકેલવામાં સક્ષમ નથી.
અગાઉ આ કરાર ગત વર્ષે દિવાળીમાં થવાનો હતો પરંતુ તે સમયે પણ આ મામલો થઈ શક્યો ન હતો. હવે બંને દેશોમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તેથી વેપાર કરાર માટે બહુ ઓછો સમય બાકી છે.
સમાચાર અનુસાર, બ્રિટિશ કાયદા અને એકાઉન્ટિંગ ફર્મ્સ સહિતની વ્યાવસાયિક સેવાઓને ભારતીય બજારમાં મંજૂરી આપવા માટે વધુ પ્રગતિ થઈ નથી. જેના કારણે કરારમાં વિલંબ થઈ રહ્યો છે. કેટલાક (સેવા) ક્ષેત્રોને અપેક્ષા મુજબ કંઈ મળ્યું નથી અને વાટાઘાટકારો સ્પષ્ટપણે માને છે કે આ સમજૂતીથી ચિત્ર બદલાશે નહીં. ડ્રાફ્ટ કરારમાં કાનૂની સેવાઓ માટે કંઈ નવું કે ક્રાંતિકારી નથી.
બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ બિઝનેસ જણાવ્યું હતું કે, બ્રિટન અને ભારત મહત્ત્વાકાંક્ષી વેપાર કરાર તરફ સતત કામ કરી રહ્યા છે. અમારી સ્થિતિ સ્પષ્ટ છે કે અમે માત્ર એવા કરાર પર હસ્તાક્ષર કરીશું જે ન્યાયી, સંતુલિત અને બ્રિટિશ લોકો અને અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં હશે.
હાલમાં બંને દેશો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે અને બંને પક્ષો મતભેદો દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કરાર હેઠળ, બ્રિટન ભારતીય બજારમાં ટેલિકોમ્યુનિકેશન, કાનૂની અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં વધુ તકો શોધી રહ્યું છે. અહીં, ભારત તેના કુશળ કામદારો માટે ઉદાર સ્થળાંતર નીતિની માંગ પર ભાર આપી રહ્યું છે.