- નવી પેન્શન યોજના હેઠળ પેન્શન લાભોમાં સુધારા કરાશે
- સંસદમાં વિપક્ષી સાંસદોના સવાલનો કેન્દ્ર દ્વારા જવાબ
- હાલમાં જૂની પેન્શન વ્યવસ્થાને ફરીથી ચાલુ કરવા માટે કોઇ કામ થઇ રહ્યું નથી
કેન્દ્ર સરકારે જૂની પેન્શન વ્યવસ્થાને લઇને પોતાનો આશય સ્પષ્ટ કરી દીધો છે. હાલમાં જૂની પેન્શન વ્યવસ્થાને ફરીથી ચાલુ કરવા માટે કોઇ કામ થઇ રહ્યું નથી. નવી પેન્શન યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓ માટે પેન્શનના મુદ્દાની તપાસ કરવાના ઉદ્દેશથી એક સમિતિની રચના કરવામાં આવી છે, તેમ એક સવાલના જવાબમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમિતિ ફાઇનાન્સિયલ
ઇમ્પ્લિકેશન્સ અને સમગ્રતયા બજેટીય શક્યતાઓ પર તેના પ્રભાવને ધ્યાનમાં રાખતાં એવા ઉપાયોની ભલામણ કરશે જે રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા હેઠળ સામેલ સરકારી કર્મચારીઓના પેન્શન સંબંધી લાભોમાં સુધારો લાવવા માટે યોગ્ય હશે. ખાસ વાત એ છે કે એનપીએસમાં જે ફેરફારની ભલામણ હશે તેમાં સામાન્ય નાગરિકોના સંરક્ષણના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે.
સમિતિ કયા વિષય પર રિપોર્ટ આપશે
કેન્દ્રીયપ્રધાને જણાવ્યું હતું કે આ સમિતિ રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થાના વર્તમાન માળખાને જે રીતે સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યા છે તેના સંદર્ભમાં શું તેમાં કોઇ પ્રકારના બદલાવ કરવા ઉચિત છે તે બાબતે વિચારણા કરશે. જો જવાબ હા હશે તો તેના માટેના ઉપાયો સૂચવશે અને તે માટે સામાન્ય નાગરિકોના અધિકારને ધ્યાનમાં રાખવામાં આવશે. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે નાણાપ્રધાન દ્વારા લોકસભામાં 24 માર્ચ 2023ના રોજ કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાસચિવ કરી રહ્યા છે.


