લાલો ઊભો હોય તો પણ વાંકો, તેથી તેને બાંકે બિહારી કહે છે. શ્રીકૃષ્ણ વાંકા સાથે વાંકા છે, યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, બાળક સાથેે બાળક અને સંન્યાસી સાથે સંન્યાસી છે.
શ્રીકૃષ્ણે જગત અસત્ય છે એમ ત્યારે કહ્યું છે જ્યારે સોનાની દ્વારકા ડૂબતી હતી. શુકદેવજી કે જેની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાત્મા પણ શ્રીકૃષ્ણ લીલામાં પાગલ બને છે. શ્રીકૃષ્ણની બાળલીલા એવી દિવ્ય છે કે શુકદેવજી જેવા પણ તેનું વર્ણન કરતા રડે છે, તેમાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી એટલે એમને રડવાનો પ્રસંગ આવતો નથી. મહાયોગીઓને પણ કૃષ્ણલીલામાં આનંદ આવે છે. શ્રીકૃષ્ણ ભોગી નથી, યોગી છે.
ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. શ્રીરામમાં એ કળા ઓછી છે એમ ન માનશો. બંને અવતારો પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણ પુષ્ટિનો-પ્રેમનો આનંદ બતાવે છે.
રામચંદ્રજીની બાળલીલા ઓછી છે. શ્રીરામ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા. સંસાર એ માયા છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદ્ગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમ માટે પવિત્ર થતું નથી. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણ થાય છે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડી છે. શ્રીરામ એ પરમાત્મા છે. તેમને માયાનો સ્પર્શ થાય નહીં, છતાં જગતને આદર્શ બતાવવા ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા અને ગુરુજીની સેવા કરી.
શ્રીરામ સોળ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી તેમને વૈરાગ્ય થયો. તે વૈરાગ્ય દૂર કરવા માટે વસિષ્ઠજીએ યોગવાસિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કહ્યો. યોગવાસિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરેકે ત્રણ-ચાર વખત વાંચવું જ જોઈએ. ભલે બીજું ન વાંચો. વસિષ્ઠજી ઉપદેશ આપે છે. વૈરાગ્ય અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું, પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી, પણ ઘરની એક એક વસ્તુમાં રહેલ આસક્તિ બાધક બને છે.
રામ, મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારાં કપડાં પહેરવાનાં છોડી દો, તો પણ લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો, તો પણ કંદમૂળ તો ખાવાં પડશેને, માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાનાં છે.
વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે.
ભજન માટે ભોજન છે એમ માને તો ભોજન તેનું સાધન છે. કેવળ ભોજન માટે ભોજન બાધક છે.
સુખી થવું હોય તો આ ચાર ક્રિયાપદો યાદ રાખજો, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. પ્રભુ મને જે સ્થિતિમાં રાખશે તે ચાલશે અને ફાવશે. થાળીમાં જે આવશે તે ભાવશે. પ્રભુ જે આપશે તે ગમશે.
જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થયો ત્યારે તેઓ સોળ વર્ષના હતા.
તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન નાખતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું, રાક્ષસોનો નાશ શ્રીરામ કરી શકશે. અયોધ્યા જઈ રામ અને લક્ષ્મણને લઈ આવીશ. દર્શન કરી કૃતાર્થ થઈશ. ભાગવતમાં રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કરવામાં આવ્યો છે. વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. સરયૂ ગંગામાં સ્નાન કર્યું. તે પછી મહારાજ દશરથના દરબારમાં આવ્યા. દશરથજી તેમને જોઈને ઊભા થયા, વંદન કર્યું અને મુનિનું પૂજન કર્યું. દશરથ રાજાએ કહ્યું, વડીલોના પુણ્યે તમારા જેવા ઋષિ મારા ઘરે પધાર્યા છે. હું આપની શું સેવા કરું? દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા પછી કહ્યું, `રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ અને લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા મોકલો. વિશ્વામિત્રે શ્રીરામની માગણી કરી તેથી દશરથજી ગભરાઈ જાય છે. તેઓ વિચારવા લાગ્યા કે વિશ્વામિત્ર મારા રામને લઈ જશે.’
દશરથજીએ કહ્યું, `આપે આ શું માંગ્યું! આ બાળકો મને વૃદ્ધાવસ્થામાં મળ્યાં છે. મને આશા ન હતી, પણ તમારા બધાના આશીર્વાદથી ચાર બાળકો થયાં છે. બાળકો મને પ્રિય છે, પણ ચારે બાળકોમાં મારો રામ અને અતિશય પ્રિય છે. રામ વગર મને ચેન પડતું નથી. તેને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી તમને શું કહું? રામ મને નિત્ય બેવાર સાષ્ટાંગ પ્રણામ કરે છે. મારી આજ્ઞાનું પાલન કરે છે. વધુ શુંકહું? રામ જેવો પુત્ર થયો નથી અને થવાનો નથી. નાના ભાઈઓ ઉપર તેનો અલૌકિક પ્રેમ છે. બહુ ભોળો છે. ખૂબ મર્યાદા પાલન કરે છે.
રામનાં વખાણ કરતાં હૃદય ભરાયું. જળ વિના માછલી કદાચ જીવે, પણ રામ વિના આ દશરથ નહીં જીવે. ગુરુજી તમને સાચું કહું, મારો શ્રીરામ મારાથી દૂર જશે તો મારા પ્રાણ શરીરમાં ટકશે નહીં. ગુરુજી તમે માંગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું, પણ
રામ દેત નહીં બનઈ ગુંસાઈ॥
મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. દશરથ પ્રાણ આપી શકે પણ રામ ન આપી શકે.
દેહ પ્રાણ તેં પ્રિય કછુ નાહીં। સોઉં મુનિ દેઉ નિમિષ એક માહીં॥
જગતમાં રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવા પિતા થયા નથી. જ્યારે રામ વનમાં ગયા ત્યારે દશરથજીએ છેલ્લા શ્વાસ સુધી શ્રીરામનું સ્મરણ કર્યું. દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે, મારો રામ ક્યાં છે? મારો રામ ક્યાં છે? કોઈ મને મારા રામ પાસે લઈ જાવ, રામ વગર હું જીવી શકીશ નહીં.