પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં, પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ, વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું `પ્રબુદ્ધ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર ભગવાન બુદ્ધ છે. બુદ્ધે એકવાર સમ્રાટ પ્રસેનજિતને કહ્યું હતું કે, `રાજન, તું તો સમ્રાટ છે. હું પણ પૂર્વાશ્રમમાં એક બહુ મોટા સમ્રાટનો પુત્ર હતો.
આજે તારી પાસે જે છે એનાથી અનેકગણું મારી પાસે હતું, પરંતુ તું જ્યારે મારી પાસે આવે છે ત્યારે કોઈ ને કોઈ પ્રકારનું માર્ગદર્શન માગે છે, તો હું એમ નથી કહેતો કે મારી જેમ તું પણ પરિવ્રાજક થઈ જા. હું એમ પણ નથી કહેતો કે તું તારા રાજભવનમાં ઉદાસીન થઈને બેસી જા. હું એમ પણ નહીં કહું કે તું મારા દેશની રક્ષા ન કર. તારા આશ્રિતોની સુરક્ષા એ તારું કર્તવ્ય છે.’ તો પ્રસેનજિત વચ્ચે બોલે છે, ભગવન, આપ મને સમજાવી રહ્યા છો એ આપની કૃપા છે. આપે જે બાબતો કહી એ તો આપની કૃપાથી મોટાભાગે હું કરી રહ્યો છું. આ બધી આંતર-બાહ્ય પ્રવૃત્તિ કરવા છતાં પણ મને અંદર વિશ્રામ કેમ નથી મળતો? અમારું `રામચરિતમાનસ’ તો કહે છે. `અનારંભ.’ બુદ્ધનો ટચૂકડો જવાબ હતો કે, `હું તારા ક્રિયા-કલાપને જોતો રહું છું, સાંભળતો રહું છું. મને લાગે છે કે તારી આ બધી જ આંતર-બાહ્ય પ્રવૃત્તિમાં ક્યારેક ક્યારેક વિવેકનો અભાવ જણાય છે.’ આ બુદ્ધવચન છે. બુદ્ધ તો ભક્તિમાર્ગી ન હતા, નહીં તો કહેત કે ભક્તિનો અભાવ છે. એ તો કેવળ જ્ઞાનમાર્ગી છે. બુદ્ધ જ્યારે વિવેક શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો અર્થ છે `જાગૃતિ’ કૃષ્ણમૂર્તિ એને `અવેરનેસ’ કહે છે. જે બુદ્ધપુરુષ છે એ આપણી દરેક પ્રવૃત્તિને નિહાળે છે. એને પૂછવા ન જવું કે આપ અંતર્યામી છો?
આપણી પાસે બધું જ હોવા છતાં આપણે બીજા સાથે આપણી તુલના કરીએ છીએ. તમે બીજાની ગણતરી શું કામ કરો છો? તમે તમારું જ ગણો ને! વિશ્રામ તમારી મુઠ્ઠીમાં આવી જશે! તમે વિવેકથી પુુરુષાર્થ કરો. જેમની પાસે જોડાં નથી એમને સાઈકલવાળા સુખી લાગે છે. પોતપોતાની અસ્મિતામાં રાજી રહો. ઈશ્વર આપણા માટે રાજી છે, પરંતુ આપણી ખોપરી ખાલી નથી! ભગવાન પતંજલિએ બહુ પ્રેક્ટિકલ ફોર્મ્યુલા આપી છે. પતંજલિ કહે છે કે સંસારના મૂળમાં ચાર વસ્તુ છે – સુખ, દુ:ખ, પુણ્ય, પાપ અને તુલસીજી પણ કહે છે કે,
દુ:ખ સુખ પાપ પુન્ય દિન રાતી,
સાધુ અસાધુ સુજાતિ કુજાતી.
વિધાતાની સૃષ્ટિ દ્વૈતોમાં બદ્ધ છે. ભગવાન પતંજલિ કહે છે કે સુખ અને દુ:ખ, પુણ્ય અને પાપનું દ્વૈત છે. મારાં યુવાન ભાઈ-બહેનો, પદ્માસન લગાવીને ત્રણ કલાક બેસવાની જરૂર નથી. કરો તો પ્રાણાયામ આરોગ્યપ્રદ છે, પરંતુ અહીં જે ફોર્મ્યુલા છે એમાં તો એવી કોઈ વાત નથી. આપણા ભજનમાં લખ્યું છે,
કે’દા’ડે મળશે ઘેલો કાન?
અમારાં દુ:ખડાં છે મેરુ સમાન,
હું તો પાકીને થઈ ગઈ પીળું પાન.
સત્સંગ કરતાં કરતાં વિવેકનું પ્રગટીકરણ થઈ જાય તો કોઈ ત્રિકાલજ્ઞ મળી જાય એને હાથ બતાવીને પૂછ્યું કે હવે હરિની મુલાકાત ક્યારે થશે? હું એક સલાહ આપું તો, ત્યાં તો હરિ ક્યારે મળશે? એમ લખ્યું છે, પરંતુ હરિને છોડો. હરિ તો ઓલરેડી મળેલા જ છે, મારે કહેવું હોય તો હું કહું કે જ્યોતિષ મળે તો એને કહેવું કે મને સદ્ગુરુ ક્યારે મળશે? પ્રભુ તો મળેલા જ છે, દેખાતા નથી. સૂરજ રાતે ન દેખાય તો એનો મતલબ એ નથી કે સૂરજ રજા પર ઊતર્યો છે! એ છે, હતો ને રહેશે. એવી જ રીતે ઈશ્વર આપણા સૌમાં છે, પરંતુ ઢંકાયેલો છે. વેદાંત એને આવરણ કહે છે. સાચી વાત તો એ છે કે મને મારો સદ્ગુરુ ક્યારે મળશે? અને અસલી વાતને ભૂલીને નકલી વાતમાં ફસાઈ જાય એને અવિદ્યા કહે છે. સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ મોટા ચિંતક સર્વપક્ષી રાધાકૃષ્ણન્ને જ્યારે એક તાત્ત્વિક ચર્ચામાં પૂછવામાં આવ્યું કે અવિદ્યા શું છે? એમણે કહ્યું, અવિદ્યા એ આધ્યાત્મિક અંધાપો છે.
તો આ સંસારમાં સૌનું સ્વાગત કરવું પડશે. પતંજલિવાળી આ ફોર્મ્યુલાને જો સમજવામાં આવે તો યુવાધનને બહુ રાહત મળી શકે તેમ છે. પાપ કરે તો દુ:ખ અને પુણ્ય કરે તો સુખ, એ સીધું ગણિત છે, પરંતુ ભગવાન પતંજલિ કહે છે કે ચાર બીજાં સૂત્રો પણ છે – કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા. ક્યાંય પણ પલાંઠી વાળીને યોગ કરો તો સારું છે, પરંતુ કોઈ વિશેષ સાધનાની વાત નથી, જીવન બનાવવાની વાત છે. પતંજલિ બહુ સરળ છે. જ્યાં દુ:ખ જુઓ ત્યાં કરુણા કરો, સીધી વાત. બાળકો ભૂખ્યાં છે તો એની સાથે કરુણા કામ કરવા લાગશે. ભગવાન કરે ને ક્યાંય દુ:ખ જ ન હોય, પરંતુ એ તો અસંભવ છે. ભગવાન કૃષ્ણએ `ગીતા’માં જાણે કે એક સિદ્ધાંતના રૂપમાં કહી દીધું છે કે `દુ:ખાલયમ્’ પરંતુ એની સાથે એક વરદાનાત્મક શબ્દ પણ જોડી દીધો `અશાશ્વતમ્’ આ `દુ:ખાલય’ છે, પરંતુ દુ:ખ પણ કાયમી નથી. આ સારી ઘોષણા છે. બુદ્ધે તો ચાર આર્યસત્ય કહીને દુ:ખમાં જ જિંદગી વિતાવી. દુ:ખ છે. દુ:ખનાં કારણો છે, દુ:ખના ઉપાય છે, દુ:ખથી મુક્તિ પણ છે. આપણા જેવા માટે ભગવાન પતંજલિ બહુ અદ્ભુત વાત કરે છે, જ્યાં દુ:ખ જુઓ ત્યાં કરુણા કરો અને કરુણા જાગે એટલે ક્ષમતા અનુસાર મદદ કરો અને જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો. મૈત્રી કરવાનો ખોટો અર્થ ન કરશો. જ્યાં સુખ જોવા મળે ત્યાં તો બધાં મૈત્રી કરશે. એ અર્થમાં મૈત્રી નહીં, પરંતુ મૈત્રી એવા અર્થમાં કે તમારો કોઈ જિગરી દોસ્ત છે અને એ પ્રથમ ક્રમે પાસ થાય તો તમે રાજી થશો કે દુ:ખી થશો? મિત્ર સફળ થાય તો આપણે મુદિત થઈ જઈએ છીએ. પ્રસન્ન થઈ જઈએ છીએ. તો જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો કે આ મારો મિત્ર સફળ થાય અને મારો મિત્ર પ્રસન્ન થાય. મિત્ર સુખી થશે તો એ સામેથી આપણને મદદ કરશે અને ક્યાંય પાપ જુઓ તો થપ્પડ ન મારશો. કોઈ પણ હિંસા સરાહનીય નથી હોતી. આવા વળાંકે આપણે કેમ પહોંચ્યા એનું ચિંતન પણ કરવું જોઈએ. પતંજલિ મને બહુ જ વ્યવહારું લાગે છે. કહે છે, ઉપેક્ષા કરો. ઉપેક્ષા કરવી એટલે એમને છોડી દેવા, એનાથી દૂર થઈ જવું. પાપીની ઉપેક્ષા નહીં, પાપની ઉપેક્ષા કરો. શરાબી ખરાબ નથી, શરાબ ખરાબ છે. પાપીની નહીં, પાપની ઉપેક્ષા થવી જોઈએ. પાપીને સુધરવાનો મોકો આપો. આ બધાં સૂત્રો વ્યવહારમાં લાવવા જેવાં છે. અને પુણ્ય જુઓ તો મુદિત થઈ જાઓ. કોઈ માણસ જો પુણ્યનું કાર્ય કરે છે તો પ્રસન્ન થઈ જાઓ.
તો બુદ્ધે પ્રસેનજિતને કહ્યું કે, `આંતર-બાહ્ય બધી જ સમૃદ્ધિ તારી પાસે હોવા છતાં તું કહે છે કે વિશ્રામ નથી મળતો, તો વિવેકની માત્રા ઓછી પડતી લાગે છે. વિવેક એટલે જાગૃતિ. પ્રતિપળ સાવધાની. આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ? આ તુલના આપણને મારી નાંખે છે! લોકો કહે છે કે સ્પર્ધા નહીં કરીએ તો પાછળ રહી જઈશું. તમે પાછળ નહીં રહી જાઓ. સ્પર્ધા તમારી જાત સાથે કરો. તમારી જાત સાથે ચિંતન કરો. બીજા સાથે સ્પર્ધા કરવાથી ઊર્જા ઓછી થઈ જાય છે. વિચાર ઊર્જાનો નાશ કરે છે અને એને સ્થાને બ્રહ્મવિચાર શરૂ થઈ જાય, સદાચાર શરૂ થઈ જાય તો આદ્યશક્તિ પરામ્બા આપણને વધારે ઊર્જા આપે છે.’
તો બુદ્ધે કહ્યું કે બધું હોવા છતાં વિવેક તૂટી રહ્યો છે. વિવેક ઓછો હોવો એટલે અસાવધાન થવું. ઘણા લોકો પાસે વિવેક આવી જાય છે તો એની મૂઢતાને લીધે એનું અભિમાન કરવા લાગે છે. `જડ વિવેક અભિમાન.’ તુલસીદાસે એને બે ભાગમાં વહેંચ્યું છે. એક તો એ જડ છે અને એક છે અભિમાન. અને વિશ્વમાં વિવેક જેવી કોઈ સંપદા નથી. વેદાંતમાં, ષડ્સંપદામાં વિવેકનું પોતાનું એક સ્થાન છે. જીવનના પ્રત્યેક ક્રિયાકલાપમાં વિવેક એ પ્રાણ છે. ભગવાન રામ તો બ્રહ્મ છે, એ ધરતી પર આવીને જે લીલા કરે છે એ તો રંગમંચ પરનો અભિનયમાત્ર છે, લલિત નરલીલા છે, પરંતુ એમની પ્રત્યેક આંતર-બાહ્ય લીલા વિવેક જાળવે છે. એટલે એ ભગવાન છે. વિવેકને ભગવાન બનવામાં વાર નથી લાગતી. એક વૃક્ષ છે, પાણી પાયેલો છોડ છે, મોટો થાય છે, વધારે મોટો થાય છે, શાખા-પ્રશાખાઓ થાય છે, પછી એને નવાં નવાં લીલાં પાન ફૂટે છે! આપણે આજે કુદરતથી દૂર થતા જઈએ છીએ.