સૌરાષ્ટ્ર યુનિ.નાં કાયમી કુલપતિ બનવા માટે સર્ચ કમિટિ દ્વારા હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા બાદ ૭૦ થી ૮૦ અરજીઓ આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં જુદા-જુદા ભવનોમાં ફરજ બજાવતા એક ડઝન સીનીયર અધ્યાપકોનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા સૌરાષ્ટ્ર યુનિ. સહિત રાજયની અન્ય યુનિ.માં કાયમી કુલપતિની નિમણુંક કરવાની ગતિવિધિઓ તેજ બની રહી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં કાયમી કુલપતિની જગ્યા લાંબા સમયથી ખાલી રહી છે. કુલનાયકની પોસ્ટ પણ ભરવામાં આવી નથી. કાયમી કુલપતિનાં અભાવે યુનિ.માં સંખ્યાબંધ વહિવટી પ્રશ્નો અંગે નિર્ણયો લેવાયા નથી. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર યુનિ. સહિત રાજયની અન્ય યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નીમણુંક અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિ બનવા માટે જે ૭૦ થી ૮૦ ઉમેદવારોએ અરજી કરી છે તે તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ સર્ચ કમિટિ દ્વારા કુલપતિ પસંદ કરવા માટે જે ત્રણ નામો રાજય સરકારને મોકલવામાં આવશે. તેમાંથી એકના ઉપર પસંદગીની મ્હોર લગાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિની પસંદગી પ્રક્રિયા આ સપ્તાહ દરમિયાન વધુ તેજ બને તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.