વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંબંધિત ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
આરોપીઓને ઝડપી લેવામાં આવશે
ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે દેશે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દ્વારા કરવામાં આવેલા જઘન્ય આતંકવાદી હુમલાનો સાક્ષી બન્યો હતો. મંત્રીમંડળે નિર્દેશ આપ્યો હતો કે આ ઘટનાની તપાસ અત્યંત ઝડપ અને વ્યાવસાયિકતા સાથે કરવામાં આવે, જેથી ગુનેગારો, તેમના સાથીઓ અને કાવતરાખોરોને ઓળખી શકાય અને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવી શકાય.
કેબિનેટમાં લેવામાં આવેલા ત્રણ મોટા નિર્ણયો
- નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી – 25,060 કરોડ રૂપિયા મંજૂર.
- નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજનાનો વિસ્તાર – 20,000 કરોડ રૂપિયા મંજૂર.
- કાયદામાં સુધારા દ્વારા મહત્વપૂર્ણ ખનીજોના ઉત્પાદનને પ્રોત્સાહન.
વડાપ્રધાને સવારે ઘાયલ થયેલા લોકો સાથે કરી મુલાકાત
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે LJNP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે વડાપ્રધાન મોદી પણ તેમના ભૂતાન પ્રવાસ બાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તરત જ બ્લાસ્ટ કેસમાં ઘાયલ થયેલા લોકોના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ષડયંત્રીકારીઓને છોડવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું હતું.


