- ઈઝરાયેલ-હમાસ વચ્ચે એક મહિનાથી ચાલી રહેેલું ભીષણ યુદ્ધ
- હમાસ અને લેબનાનમાં હિઝબુલ્લાહ પર હુમલાની તૈયારીમાં ઈઝરાયેલ
- જમીની હુમલા માટે ગમે ત્યારે ગાઝા પટ્ટીમાં ઘૂસી શકે છે ઈઝરાયેલી સેના
છેલ્લા એક મહિનાથી ચાલી રહેેલું ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યુ છે. અમેરિકા અને આરબ દેશો સહિત વિશ્વની મોટી શક્તિઓએ ઈઝરાયેલને અપીલ કરી કે, તેઓ યુદ્ધ વિરામ કરે અને ગાઝા પર હુમલા રોકી દેવામાં આવે. તેમ છતાં યુદ્ધ યથાવત છે.
ઈઝરાયેલ જવાનો એક સાથે ગાઝામાં હમાસ અને લેબનાનમાં હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે. આ વચ્ચે ગાઝા વહીવટી તંત્રનું કહેવું છે કે, ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 9700થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાં 4,200 તો માસૂમ બાળકો જ સામેલ છે. બીજી તરફ ઈઝરાયેલ એટલા પર અટકવાનું નથી. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેમણે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લીધી છે અને પોતાની રણનીતિઓ તૈયાર કરી રહ્યા છે.
વેસ્ટ બેંકમાં પણ 140 પેલેસ્ટિનિયનો મોતને ભેટ્યા
આ ઘમાસાણ યુદ્ધ જે મહા વિનાશ વેતર્યો છે. ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધુ હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ઉત્તરી અને દક્ષિણી ગાઝાનો પરસ્પર સંપર્ક અમે ખતમ કરી દીધો છે. ગાઝા પટ્ટી માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્વના છે. આ દરમિયાન ઈઝરાયેલી સેના જમીની હુમલા માટે ગમે ત્યારે ગાઝા પટ્ટીમાં ઘૂસી શકે છે. ઈઝરાયેલી સેનાના અધિકારી ડેનિયલ હગારીએ કહ્યું કે, આજે અમે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધુ છે. હવે તે ઉત્તર અને દક્ષિણ ગાઝા થઈ ગયુ છે. ઈઝરાયેના હુમલામાં ગાઝા પટ્ટી ઉપરાંત વેસ્ટ બેંકમાં પણ 140 પેલેસ્ટિનિયનો મોતને ભેટ્યા છે.
યુદ્ધ વિરામ નહીં થાય: નેતન્યાહૂ
US વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન એક વખત ફરીથી મધ્ય પૂર્વના પ્રવાસે નીકળ્યા છે. તેઓ અત્યાર સુધી 6 આરબ દેશોની યાત્રા કરી ચૂક્યા છે પરંતુ કોઈ નિર્ણય નથી થઈ શક્યો. આરબ દેશો અમેરિકા પર ભડક્યા છે તો બીજી તરફ ઈઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કરી દીધુ છે કે, અમે યુદ્ધ વિરામ નહીં કરીશું. તેમનું કહેવું છે કે, જો અમે યુદ્ધ વિરામ કર્યું તો તે હમાસ આગળ સરેન્ડર કરવા જેવું થશે.
24 કલાકમાં 450 ટાર્ગેટ પર હુમલો કર્યો
IDF એ ગાઝાની અંદર હમાસના લશ્કરી કમ્પાઉન્ડને કબજે કરવાની પણ જાહેરાત કરી હતી, જેમાં અવલોકન પોસ્ટ્સ, હમાસ ઓપરેટિવ્સ માટે તાલીમ સુવિધાઓ અને ભૂગર્ભ ટનલ હતી. IDF એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગત દિવસોમાં, IDF યુદ્ધ વિમાનોએ સુરંગો, આતંકવાદીઓ, લશ્કરી કમ્પાઉન્ડ્સ, અવલોકન પોસ્ટ્સ, એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચ પોસ્ટ્સ અને વધુ સહિત 450 થી વધુ હમાસ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.”
અત્યાર સુધીમાં 9700 થી વધુ લોકોના મોત
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે ટાંકીને જણાવ્યું હતું કે, આ હુમલાઓ રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, શરણાર્થી શિબિરો અને શાળાઓ સહિતના નાગરિક વિસ્તારોને ફટકાર્યા હતા, જેના પરિણામે 9,700 થી વધુ લોકોના મોત થયા હતા.
હવાઇ હુમલામાં સૌથી વધુ 4800 બાળકો મોતને ભેટ્યા
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રી માઇ અલ-કૈલાએ રામલ્લાહમાં જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરથી ગાઝા પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 9,700 થી વધુ લોકો માર્યા ગયા છે. અલ-કૈલાએ જણાવ્યું કે આ આંકડામાં 4,800 બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકાના વિશેષ દૂત ડેવિડ સેટરફિલ્ડે શનિવારે જણાવ્યું હતું કે 800,000થી 10 લાખ લોકો ગાઝા પટ્ટીના ઉત્તરથી દક્ષિણ તરફ ભાગી ગયા છે અને માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની હોવાના કારણે તાજેતરના આંકડા સામે આવ્યા છે.


