અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ શાળા ફરી એકવાર ફી વિવાદના કારણે ચર્ચામાં આવી છે. શાળા પર ફી રેગ્યુલેશન કમિટી (FRC) દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં અનેકગણી વધુ ફી વસૂલવાનો ગંભીર આક્ષેપ છે. એટલું જ નહીં, આ ગેરરીતિ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા ફટકારવામાં આવેલી નોટિસનો પણ શાળા તંત્રએ કોઈ જવાબ આપ્યો નથી, જે શાળાની મનમાની અને કાયદા પ્રત્યેની બેદરકારી દર્શાવે છે.
શું છે સમગ્ર મામલો?
FRCએ સેન્ટ ઝેવિયર્સ શાળાની વાર્ષિક ફી 39,000 રૂપિયાથી ઘટાડીને માત્ર 22,000 રૂપિયા કરી હતી. નિયમ મુજબ, આ ઘટાડેલી ફી જ વાલીઓ પાસેથી લેવાની હોય છે. જોકે, વાલીઓના આક્ષેપ મુજબ, શાળા હજુ પણ જૂની અને ઊંચી ફી એટલે કે 39,000 રૂપિયા જ વસૂલી રહી છે. ફી ઘટાડવાની સ્પષ્ટ સૂચનાઓ છતાં વધુ ફી લેવાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદના આધારે DEO દ્વારા તાત્કાલિક સેન્ટ ઝેવિયર્સ શાળાને નોટિસ ફટકારીને આ મામલે જવાબ માગવામાં આવ્યો હતો અને FRCના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, શાળા તંત્રએ DEOની આ નોટિસને સંપૂર્ણપણે અવગણી છે અને નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. શાળાના આ વલણથી એવું સ્પષ્ટ થાય છે કે, તેને FRC અને શિક્ષણ વિભાગના નિયમોનું પાલન કરવામાં કોઈ રસ નથી.
સ્ટે ન હોવા છતાં લૂંટ
સૌથી ગંભીર બાબત એ છે કે, ફી ઘટાડાના FRCના નિર્ણય પર શાળા પાસે કોઈ સ્ટે (Stey) ઓર્ડર નથી. કાયદાકીય રીતે સ્ટે ન હોવા છતાં, શાળા વધુ ફી વસૂલીને સીધી રીતે નિયમોનો ભંગ કરી રહી છે અને વાલીઓને આર્થિક રીતે પરેશાન કરી રહી છે. સેન્ટ ઝેવિયર્સ શાળાની આ મનમાની અને શિક્ષણ વિભાગની નોટિસની અવગણના શિક્ષણ જગતમાં સનસનાટી મચાવી રહી છે. વાલીઓ હવે DEO અને રાજ્ય સરકાર સમક્ષ આ મામલે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Porbandar ના દરિયામાં પાકિસ્તાની બોટ ઝડપાઈ, 11 ક્રૂ મેમ્બરની અટકાયત, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ


