- ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ 2024ની તૈયારીમાં વ્યસ્ત
- સૂર્યકુમાર યાદવનું T20 વર્લ્ડકપ 2024માં લગભગ સ્થાન નિશ્ચિત
- સાઉથ આફ્રિકામાં સામેની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં T20 વર્લ્ડકપ 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. ODI વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાનું સમગ્ર ધ્યાન આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપ પર છે. 2024માં યોજાનાર આ વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વર્લ્ડકપ માટે ભારતીય ટીમના પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પસંદ કરવાની છે, જેના માટે ટ્રાયલ ચાલી રહી છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 ફોર્મેટમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ જોયા બાદ એવું લાગે છે કે ઓછામાં ઓછા પાંચ ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે કન્ફર્મ થઈ ગયા છે. તે જ સમયે, બાકીના 10 સ્થાનો માટે કુલ 20 ખેલાડીઓ દાવેદાર છે.
5 કન્ફર્મ થયેલા ખેલાડીઓમાં કોણ હોઈ શકે?
T20 વર્લ્ડકપ 2024 માટે જે પાંચ ખેલાડીઓ લગભગ કન્ફર્મ થઈ ગયા છે તેમાં સૂર્યકુમાર યાદવ મોખરે છે, જે T20માં નંબર વન બેટ્સમેન પણ છે અને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં તેણે માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ એક કેપ્ટન તરીકે પણ પ્રભાવિત કર્યા છે. તેથી તેને સાઉથ આફ્રિકામાં સામેની T20 સિરીઝમાં કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, સૂર્યા 2024માં T20 વર્લ્ડકપમાં હશે તે લગભગ નિશ્ચિત છે, અને એ પણ શક્ય છે કે તે વર્લ્ડકપમાં કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
તેના સિવાય આ પાંચ ખેલાડીઓમાં રિંકુ સિંહનું નામ સામેલ છે, જેણે સતત ઘણી મેચોમાં ટીમ માટે શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવી છે. આ કારણોસર, તેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેથી તે ચોક્કસપણે T20 વર્લ્ડકપ ટીમનો ભાગ હશે. તેમના સિવાય રુતુરાજ ગાયકવાડનું નામ પણ આ લિસ્ટમાં નિશ્ચિત જણાય છે, કારણ કે ગાયકવાડે પોતાની શાનદાર ઓપનિંગ કુશળતાથી પસંદગીકારો તેમજ સમગ્ર દેશને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં જ તેણે ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં 123 રનની અણનમ ઇનિંગ રમીને સમગ્ર વિશ્વની વાહવાહી મેળવી હતી. આ કારણે તેને સાઉથ આફ્રિકાના પ્રવાસ પર યોજાનારી ત્રણેય ફોર્મેટમાં તક મળી છે. આ સિવાય અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ પણ તે 5 ખેલાડીઓમાં સામેલ છે
રોહિત-વિરાટ અને રાહુલ-ઐયર 20 દાવેદારોમાં સામેલ
આ 20 ખેલાડીઓ માંથી પસંદગીકારો 10 ખેલાડીઓને T20 વર્લ્ડ કપ રમવા મોકલી શકે છે. આ ખેલાડીઓમાં, બે મોટા નામ રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જેમને અમે યાદીમાં પાછળ રાખ્યા છે, કારણ કે તેમના રમવાની સંભાવના ઘણી ઓછી છે. યશસ્વી જયસ્વાલ, જીતેશ શર્મા, મુકેશ કુમાર, દીપક ચહર, રોહિત શર્મા, આવેશ ખાન, શિવમ દુબે, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્ર અશ્વિન, કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી.


