જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીનો પવિત્ર તહેવાર છે. આ દિવસે કરવામાં આવતા જ્યોતિષીય ઉપાયો જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં મદદરૂપ થઈ શકે છે. માન્યતા મુજબ આ ઉપાયોથી ભગવાન કૃષ્ણ અને રાધારાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપાયોને શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવાથી ઉત્તમ ફળ મળે છે.
આર્થિક સમૃદ્ધિ માટે
તુલસીપૂજા : ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને તુલસીના છોડની પૂજા કરવી. તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવવો અને `ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરતાં 11 કે 21 વાર પરિક્રમા કરવી. ત્યારબાદ તુલસીનાં પાન ભગવાન કૃષ્ણને અર્પણ કરવાં. આ ઉપાયથી ઘરમાં ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે.
મોરપીંછનો ઉપાય : મોરપીંછ ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય છે. જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણના મંદિરમાં જઈને મોરપીંછ અર્પણ કરવું. ત્યારપછી તે મોરપીંછને ઘરે લાવીને તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ રાખવું. આ ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
લઘુ નાળિયેર : જન્માષ્ટમીના દિવસે 7 લઘુ નાળિયેર (નાનાં નાળિયેર) લઈને તેને પીળા વસ્ત્રમાં બાંધીને ધનની જગ્યાએ રાખવાં. આ ઉપાયથી ધનની આવક વધે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
સંતાનપ્રાપ્તિ અને પારિવારિક સુખ માટે
બાળ ગોપાલની પૂજા : જે દંપતીને સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય, તેમણે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી. બાલ ગોપાલને પારણામાં ઝુલાવીને મધુર ગીતો ગાવાં. તેમને માખણ-મિસરીનો ભોગ ધરાવવો અને તેમનાં વસ્ત્રો શણગારવાં. આ ઉપાયથી સંતાનપ્રાપ્તિના યોગ બને છે.
ગાય અને વાછરડાની સેવા : જન્માષ્ટમીના દિવસે ગાય અને તેના વાછરડાની સેવા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયને લીલો ચારો ખવડાવવો અને તેની પૂજા કરવી. આ ઉપાયથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
રાધાકૃષ્ણની પૂજા : પારિવારિક સુખ અને પ્રેમસંબંધોમાં મધુરતા માટે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધારાણીની એકસાથે પૂજા કરવી. તેમને લાલ કે પીળા ફૂલની માળા અર્પણ કરવી. આ ઉપાય પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધારે છે.
મનશાંતિ અને નકારાત્મકતા દૂર કરવા
ઘીનો દીવો : જન્માષ્ટમીની રાત્રે, શ્રીકૃષ્ણના જન્મ સમયે એક દીવો પ્રગટાવીને તેમાં પાંચ તુલસીનાં પાન મૂકવાં. આ દીવાને પૂજાસ્થાનમાં રાખવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
ચંદનનું તિલક : જન્માષ્ટમીના દિવસે ચંદનનું તિલક કરવું. ચંદનનું તિલક માનસિક શાંતિ આપે છે અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
ભાગવત પુરાણનું પઠન : જન્માષ્ટમીના દિવસે શ્રીમદ ભાગવત પુરાણના દસમાં સ્કંધનું પઠન કરવું. આ સ્કંધમાં ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. આ ઉપાયથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આરોગ્ય અને સફળતા માટેના ઉપાયો
ભગવાન કૃષ્ણને માખણ-મિસરીનો ભોગ : જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને માખણ-મિસરીનો ભોગ અર્પણ કરવો. ત્યારબાદ આ પ્રસાદ સૌ પ્રથમ નાનાં બાળકોને વહેંચવો. આ ઉપાયથી આરોગ્ય સુધરે છે અને જીવનમાં મીઠાશ આવે છે.
નૃત્ય અને સંગીત : જન્માષ્ટમીના દિવસે કૃષ્ણભજનો ગાવાં અને નૃત્ય કરવું. ભગવાન કૃષ્ણ કલાના દેવતા છે. આ ઉપાયથી મન પ્રફુલ્લિત રહે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.
દહીં, મધ અને ગંગાજળથી અભિષેક : જન્માષ્ટમીની રાત્રે, ભગવાન કૃષ્ણના જન્મ સમયે દહીં, મધ અને ગંગાજળથી ભગવાનનો અભિષેક કરવો. ત્યારબાદ તેમનાં વસ્ત્રો અને આભૂષણો શણગારવાં. આ ઉપાયથી તમામ પ્રકારના રોગો અને મુશ્કેલીઓ દૂર થાય છે.
પૂજાપદ્ધતિ જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. પૂજાસ્થાનને સ્વચ્છ કરીને દીવો પ્રગટાવવો. ત્યારબાદ ભગવાન કૃષ્ણની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો અને આભૂષણો પહેરાવવાં. તેમને માળા અને તિલક લગાવવું. માખણ, મિસરી અને અન્ય મનપસંદ વાનગીઓનો ભોગ ધરાવવો. રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણના જન્મ સમયે આરતી કરવી. જ્યારે પણ ઉપાય કરો ત્યારે મંત્રનો જાપ કરવો. જેમ કે, `શ્રી કૃષ્ણ શરણં મમ’ અથવા `ૐ નમો ભગવતે
વાસુદેવાય’. – ધનંજય પટેલ
મનનો મોરલિયો…
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર આવી પૂરો હૈયા કેરી હામ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
સૂરજ ઊગે ને મારી ઊગતી રે આશા,
સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા,
રાત-દિવસ મને સૂઝે નહિ કામ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
આંખલડીએ મને ઓછું દેખાય છે,
દર્શન વિના મારું દિલડું દુભાય છે,
નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
આંસુઓનાં બિંદુથી જોવું તડપાયે,
માંગુ સદાય તારાં ચરણોમાં વાસ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
મનનો મોરલિયો રટે તારું નામ,
મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
વૈજયંતી માળા
વૈજયંતીનાં ફૂલ અને માળા અતિ શુભ અને પવિત્ર ગણાય છે. આ શુભ અને પવિત્ર માળા ભગવાન કૃષ્ણ ધારણ કરે છે. આ માળામાં કુલ પાંચ રત્નો જેવાં કે મોતી, મૂંગા, પન્ના, માણેક અને હીરા જોવા મળે છે. આ પાંચ રત્નો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ મહાભૂતોનું પણ પ્રતીક છે. વૈજયંતી માળા એ પણ દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ પ્રકૃતિ અને સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે. વૈજયંતી માળા પહેરવાથી આપ કૃષ્ણના સદાય નજીક છો તેવી અનુભૂતિ થાય છે.