દિલ્હીમાં ગંભીર સ્તરે વધતા પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્ય પર પડી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કડક નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાના જણાવ્યા અનુસાર આ નિર્ણય જાહેર આરોગ્યને બચાવવા માટે લેવામાં આવ્યો છે અને તેમાં કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં.
નવા નિયમો શું છે ?
આ નવા નિયમો ગુરુવાર, 18 ડિસેમ્બરની સવારથી અમલમાં આવશે. તેના હેઠળ અન્ય રાજ્યોમાં નોંધાયેલા ફક્ત BS-6 પેટ્રોલ અને ડીઝલ વાહનોને જ દિલ્હીમાં પ્રવેશ મળશે. BS-2, BS-3 અને BS-4 શ્રેણીના તમામ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેમાં ખાનગી કાર, ટેક્સી, સ્કૂલ બસ અને તમામ પ્રકારના વાણિજ્યિક વાહનોનો સમાવેશ થાય છે.
દિલ્હીના બહારના વાહનોને મંજૂરી
જો કે, નોંધણી દિલ્હીની બહારની હોય તો પણ તમામ ઇલેક્ટ્રિક અને CNG વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. દિલ્હીમાં પહેલેથી ચાલી રહેલા અન્ય રાજ્યોમાં નોંધાયેલા વાહનોની કડક તપાસ કરવામાં આવશે અને જો કોઈ વાહન BS-6 ધોરણોને પૂર્ણ કરતું નહીં હોય તો તેને તરત જ જપ્ત કરવામાં આવશે.
બસ સેવા પર પડશે અસર
આ નિર્ણયથી આંતરરાજ્ય બસ સેવાઓ પર પણ અસર પડી શકે છે, કારણ કે મોટાભાગની બસો BS-4 ડીઝલ શ્રેણીની છે. સાથે જ 18 ડિસેમ્બરથી માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) વિના કોઈપણ વાહનને પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ પર ANPR સિસ્ટમ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવશે. જો PUCC બીજા રાજ્યમાંથી જારી કરાયેલ હોય અને તે માન્ય સમયમર્યાદામાં હોય, તો બળતણ મળતું રહેશે.
બાંધકામ સામગ્રીના પરિવહન પર પ્રતિબંધ
બાંધકામ સામગ્રીના પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બહારથી દિલ્હી આવતી કે દિલ્હીની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી કોઈપણ બાંધકામ સામગ્રી મંજૂર નહીં હોય અને આવા વાહનોને દિલ્હી બોર્ડર પર જ રોકી જપ્ત કરવામાં આવશે.
NCR વિસ્તારમાં પણ પગલાં લેવામાં આવ્યા
NCR વિસ્તારમાં પણ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાં પહોળા રસ્તાઓની મશીન દ્વારા સફાઈ, ફૂટપાથના સર્વે અને સમારકામ તેમજ IT સહિત તમામ કંપનીઓને ઘરેથી કામ કરવાની અપીલ કરવામાં આવી છે. ગાઝિયાબાદમાં તૂટેલા રસ્તાઓના સમારકામ, રસ્તાઓની વચ્ચે ઘાસ વાવવાની કામગીરી અને પાણીના છંટકાવ પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ધોરણ પાંચ સુધી હાઇબ્રિડ વર્ગો ચાલુ રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલાં ભલે કડક લાગે, પરંતુ વધતા પ્રદૂષણ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ માટે આવા નિર્ણય લેવાં જરૂરી બન્યા છે.
આ પણ વાંચો : PM Modi Ethiopia Visit: PM મોદીને 2016થી 2025માં 28 ઉચ્ચ નાગરિક સન્માન મળ્યા


